Site icon Revoi.in

સુરતના માન દરવાજાના જર્જરિત બનેલા ટેનામેન્ટ્સના રહિશોને પોલીસની મદદથી ખાલી કરાવાયા

Social Share

સુરતઃ શહેરમાં તાજેતરમાં વરસાદને કારણે જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. આથી મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરમાં વર્ષો જુના અને જર્જરિત મકાનોને તાકીદે મરામત કરાવી દેવા અથવા ખાલી કરી દેવાની નોટિસો આપી હતી, છતાંયે માન દરવાજા ટેનામેન્ટ્સના રહિશોએ જર્જરિત મકાનો ખાલી ન કરતા મ્યુનિ.ના અધિકારીઓ પોલીસ સાથે ધસી જઈને મકાનો ખાલી કરાવાયા હતા.

સુરત શહેરના રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ્સ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મ્યુનિ. દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ઘણાં લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મકાનો ખાલી ન કરતા મ્યુનિના અધિકારીઓ  પોલીસની મદદ લઈને  જર્જરિત મકાનો ખાલી કરાવાયા હતા.

સૂત્રોના કહેવા મુજબ શહેરના માન દરવાજા ટેનામેન્ટ્સ ખૂબ જ જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતાં. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરુ હતું. જોકે, સુરત મ્યુનિ દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું. ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી. જોકે, આ વખતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રીંગ રોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, પરંતુ સુરત મ્યુનિ. દ્વારા ટેનામેન્ટને લઈને 3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. મ્યુનિ દ્વારા ઓનલાઇન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે.