અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનો બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે ઘણાબધા મત વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગ ઊઠી છે. અમદાવાદમાં વાડજ, નારાયણપુરા સહિતના વિસ્તારોમાં આવેલી હાઉસિંગ સોસાયટીની વસાહતો ભાજપનો ગઢ ગણાય છે. અને હાઉસિંગ સોસાયટીના રહિશોએ સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગ કરી છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ વસાહતોના રહિશોએ બે ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. સાથોસાથ અન્યને ઊભા રાખવા હોય તો પણ વાંધો નહીં પણ વસાહતમાં રહેતો કોઈપણ સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ. પરંતુ જો કોઈ રાજકીય પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો અપક્ષ તરીકે ચૂંટણી લડાવવાનો પણ મૂડ બનાવી લીધો છે. કેમ કે, નારણપુરા વિસ્તારમાં થતાં કુલ મતદાનના 60 થી 70 ટકા મતદાન તો હાઉસિંગના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે. રિડેવલપમેન્ટ માટે સરકારની નિતીથી અકળાયેલાં હાઉસિંગના રહીશોએ ચૂંટણી ટાણે લ઼ડત શરૂ કરી છે. અને તેના માટે બેઠકોનો દોર શરૂ થયો છે.
અમદાવાદમાં સૌથી વધુ હાઉસિંગ સ્ક્રીમો નારણપુરા વિસ્તારમાં આવી છે. આ સ્ક્રીમમાં વર્ષોથી રહેતાં સ્થાનિક નાગરિકો છેલ્લાં કેટલાંય સમયથી હાઉસિંગના ફલેટો જર્જરિત હાલતમાં મૂકાયા છે. તેના રિડેવલપમેન્ટ માટે સ્થાનિક આગેવાનોએ હાઉસિંગ કમિશનર સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તેનું સાનુકુળ પરિણામ મળતું નથી. તાજેતરમાં નારણપુરાના સુરમ્ય એપાર્ટમેન્ટ ખાતે હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા શુભેચ્છા પાઠવવા નારણપુરા, વાડજ, સોલારોડ વિસ્તારની અનેક હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના હોદ્દેદારો તથા રહીશો એકઠા થયા હતા. અને હાઉસિંગની એકતા વધારવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથોસાથ ફેડરેશન વતી રિડેવલપમેન્ટ માટેની સમસ્યાઓ અને નિવારણ માટે સંગઠીત થઈ રજૂઆતો તથા પ્રદર્શન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. વિધાનસભાનીચૂંટણીમાં નારણપુરા વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે, રિડેવલપમેન્ટ તથા તેના આનુસંગિક મુદ્દાઓને ધ્યાને લઈ દૂરંદેશી તથા મત બેંક જોતા હાઉસિંગમાંથી યોગ્ય ઉમેદવાર ઊભો રાખવાનો વિચાર રજૂ કર્યો હતો. જો કોઈ રાજકીય પક્ષ આવા સ્થાનિક રહીશને ટિકિટના આપે તો હાઉસિંગના મતદારોએ યોગ્ય ઉમેદવારને અપક્ષ તરીકે લડાવી લેવાનો પણ મીજાજ વ્યક્ત કર્યો હતો.