અમદાવાદઃ શહેરના વેજલપુર ગામ વિસ્તારમાં ભરશિયાળે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા આજે સવારે 50થી વધુ લોકોએ વેજલપુર વોર્ડની સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. વેજલપુર ગામના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં આવેલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી અને કેટલાંક ઘરોમાં તો પાણી જ નથી આવતું, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી હતી છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતાં આજે સવારે વેજલપુર ગામના અને આસપાસની સોસાયટીના લોકોએ ભેગા થઈને સબ ઝોનલ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી હતી.
અમદાવાદ શહેરના વેજલપુર ગામમાં પીવાના પાણીની ઘણા સમયથી સમસ્યા છે. ગામ અને નજીકમાં આવેલી મધુરલક્ષ્મી સોસાયટી, સાંઈનાથ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ત્રણ મહિનાથી ઓછા પ્રેશરથી પાણી આવે છે. આ ઉપરાંત કેટલાંક ઘરોમાં તો પાણી આવતું જ નથી. પહેલા સવારે એક કલાક અલગ અલગ સમયે પાણી આવતું હતું, પરંતુ હવે સવારે 10 વાગ્યે એક જ સમયે બધી જગ્યાએ પાણી આવતાં આ સમસ્યા ઊભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે અધિકારીઓને રજૂઆત સંતોષકારક જવાબ અપાતો નથી. ટૂંટાયેલા કોર્પોરેટરો પણ સાંભળતા નથી. જેથી આજે મોટી સંખ્યામાં લોકોએ સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈને રજૂઆત કરી હતી.
વેજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે, વેજલપુર ગામમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઓછા પ્રેશરથી આવે છે. નિયમિત રીતે પાણી ના આવતું હોવાથી સમસ્યા સર્જાય છે. પહેલાં વેજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો, પરંતુ હવે મકરબા ગામની પાણીની ટાંકીમાંથી પાણીનો સપ્લાય કરવામાં આવતો હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે છતાં પણ અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપતા નથી. વેજલપુર વિસ્તારની પાણીની ટાંકીમાંથી પુરવઠો સપ્લાય કરવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.