ગાંધીનગરઃ શહેરના એસ.ટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલી ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનાં ઘોંઘાટથી આસપાસના વસાહતીઓ તેમજ સ્કૂલના બાળકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. એસટી બસો ક્યારે ઉપડશે અને ક્યારે આવશે તેની વિગતો જોરશોરથી સતત એનાઉન્સમેન્ટનાં કારણે આસપાસના વસાહતીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પરીક્ષાઓ નજીક છે, ત્યારે એસટી બસ ડેપો આસપાસની સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે. આથી એનાઉન્સમેન્ટ સિસ્ટમનો વોલ્યુમ ઓછો કરવા માટેની માંગ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુસાફરોને અદ્યતન સુવિધાઓ આપવાના શુભ આશયે ગાંધીનગર એસ.ટી ડેપોમાં તાજેતરમાં જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અદ્યતન ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ છે. જોકે, સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે કાર્યરત કરવામાં આવેલી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આસપાસના વસાહતીઓ, વેપારી તેમજ નજીકની સ્કૂલ કોલેજ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. અતિશય તીવ્ર અવાજ સાથે બસોની વિગતોનું એનાઉન્સમેન્ટ થવાના કારણે ઘોંઘાટનું પ્રદૂષણ વધી જવા પામ્યું છે. જ્યારે શાળા કોલેજમાં ભણતા વિધાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. એસ.ટી ડેપોની સામે આવેલ સેકટર – 7 માં આવેલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બસની વિગતો માટેની એનાઉન્સમેન્ટ સિસ્ટમનાં કારણે હવે તો અમે પણ એસ.ટી ડેપોમાં રહેતા હોઈએ એવો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તો સતત ઘોંઘાટ રહેતો હોય છે પણ મોડી રાત સુધી પણ સતત એનાઉન્સમેન્ટ થયા કરતું રહે છે.
ગાંધીનગર શહેર વસાહત મહા સંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા માટે સિસ્ટમ કાર્યરત કરાઈ એ આવકાર દાયક છે. પરંતુ તેના અતિશય અવાજના કારણે સેકટર – 7 નાં વસાહતીઓથી માંડીને નજીકનાં સ્કૂલ કોલેજના બાળકોને પણ ખલેલ થઈ હોવાની વ્યાપક ફરિયાદો મળી છે. જેથી આ મામલે વાહન વ્યવહાર કમિશનર સહિતના સંબંધિત વિભાગ રજૂઆત કરી એનાઉન્સમેન્ટ સિસ્ટમનો વોલ્યુમ ઓછો રાખવા માટે રજૂઆત સાથે માંગણી કરીશું