અમદાવાદઃ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી..ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે મંગળવારે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.
સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે મંગળવારે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે. વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં બેઠક પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે. આ બેઠકને દ્વારકાધિશ શંકરાચાર્ય પરમ પૂજ્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતો વચ્ચે બેઠકનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવી હતી. આ બેઠકમાં વડતાલના સંતોએ અન્ય સ્વામિનારાયણ સંતોને વાણી-વિલાસ ન કરવાની ખાસ સૂચન કર્યું હતુ. આ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો સિવાય અન્ય જે પણ વિવાદ છે. તે માટે આગામી સમયમાં એક મોટી બેઠક યોજવામાં આવશે.