ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ ગેસ કેડરના અધિકારીઓની પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી હતી. હવે બદલીના આ લિસ્ટમાં પોતાનો વારો આવશે એવી રાહ જોઇને બેઠેલા ડેપ્યુટી કલેકટરને હવે થોડો સમય વધુ રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. કારણ કે સરકારે 2019 ની બેચના નાયબ કલેકટર સંવર્ગના 48 પ્રોબેશનરી ઓફિસરોને પ્રાંત અધિકારીઓની જવાબદારી સોંપી છે આગામી તારીખ 26 જુલાઈથી તારીખ 3જી નવેમ્બર સુધી આ 48 પ્રોબેશનરી ઓફિસરો પ્રાંત અધિકારી તરીકે જવાબદારી સંભાળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્રમાં ભેંસાણ, માળીયા મીયાણા ,જેતપુર, કાલાવડ, જામજોધપુર, ગારીયાધાર, ભાણવડ, મૂળી, રાપર, ગઢડા, માંગરોળ વડીયા, જેસર ,માળીયાહાટીના, વિછીયા, લખતર અને કોડીનારમાં મળીને 17 અધિકારીઓને સૌરાષ્ટ્ર્રને હવાલે કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી ભાવેશ દવે, ભચાઉના જમીન સંપાદન અધિકારી વી.આઇ. પ્રજાપતિ અને અંજારના પ્રાંત અધિકારી વી.કે. જોષી સહિત રાજ્યના 10 નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને આઈઓઆરએ મહેસુલ તપાસણી કમિશનર કચેરીમાં પ્રિ–સ્ક્રુટીની ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.