રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં હવે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં શહેરના 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી શહેરના પોલીસ કમિશનર દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર ભારે વાહનો સહિત ખાનગી લક્ઝરી બસો માટે પ્રવેશ બંધી કરતાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે ટ્રાવેલ્સ સંચાલકો ગાંધીનગર રજુઆત કરવા માટે જશે. કારણ કે શહેરમાં લકઝરી બસના પ્રતિબંધને લીધે ટ્રાવેલર્સનો ધંધો પડી ભાંગશે.
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર ખાનગી લકઝરી બસ સહિત ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા લકઝરી બસના ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે રાજકોટ શહેરમાં આવતા બસના પ્રવાસીઓને શહેરની ભાગોળે જ ઉતારવા પડશે. આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોના કારણે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધી દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાથી પાંચ મહિના પહેલા 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસ સહિત ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં મુખ્ય રસ્તા પર જ ખાનગી બસો પાર્ક થતી હતી. જેથી ટ્રાફિક શાખાને આ જાહેરનામાનો અમલ કરવા માટે આદેશ અપાયો છે.
આ બાબતે ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોને પ્રવેશબંધી એ અન્યાય રૂપ છે. પોલીસ કમિશનરની સૂચના બાદ રૈયા ચોકડી પાસે 2000 વાર જગ્યામાં ખાનગી બસો પાર્ક કરવામાં આવે છે અને મુખ્ય રસ્તા પર કોઈ પણ બસો પાર્ક થતી નથી. તેમ છતાં 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસોને વિના કારણે પ્રવેશબંધી કરવામાં આવી છે. જેથી આ બાબતે હવે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે.