દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેના કારણે હોળી-ધૂળેટીના તહેવારને પણ અસર થશે. ગુજરાત સહિતના રાજ્યોમાં ધાર્મિક રીતે હોળીની ઉજવણીની મંજૂરી આપી છે. જો કે, રંગોત્સવની ઉજવણી ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. જેની સીધી અસર હોળીના તહેવારોમાં વેચાતા પિચકારી, રંગ-ગુલાલ સહિતના માલસામાનના વેચાણ પર થઇ રહી છે. એક અંદાજ મુજબ કોરોના મહામારીના પ્રતિબંધોને લીધે વર્ષે હોળીના તહેવારોના વેચાણને 25,000 કરોડનુ નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ મોંઘવારીની અસર પણ હોળીના પર્વ પર જોવા મળી રહી છે. પીચકારી સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે હોળી પર પિક્ચર- ગુગાલ – કલર વગેરે માલસામાનના વેચાણમાં જંગી ઘટાડો થયો છે અને હોળીની પહેલા બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હીમાં જ 1500 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય છે. દિલ્હીના સદર બજારના પિચકારી વિક્રેતાએ જણાવ્યું હતું કે, કોરોનાના લીધે આ વખતે હોળી પર 25 ટકા પણ સ્ટોક વેચાયો નથી. અમારા ગોડાઉન માલથી ભરેલા છે પરંતુ ખરીદદારો-ગ્રાહકો આવી રહ્યા નથી. એટલું જ નહીં મોઘવારીની અસર પણ જોવા મળી રહી છે. પીચકારીના ભાવમાં પણ 30થી 40નો વધારો થયો છે. જે પિચકારી પાછલા વર્ષે 80-90 રૂપિયામાં મળતી હતી તેના ભાવ વધીને હવે 120- 130 રૂપિયા થઇ ગયા છે. જેથી વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયાં છે.