કંકોતરીઓ મોકલાઈ ગઈ, હવે કોને ના પાડવી કે તમે આવશો નહી, જેમના ઘરે લગ્ન છે, તેની કફોડી હાલત
અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતાં કોરોનાના કેસને લીધે રાજ્ય સરકારે નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. જેમાં લગ્ન સમારોહ માટે જે પહેલા 400 જણાંની મંજુરી આપવામાં આવી હતી તે હવે માત્ર 150 જણાં જ ઉપસ્થિત રહી શકશે. આથી જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તેવા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે, મોટાભાગના લગ્નોના મૂહૂર્ત કમુર્તા બાદ 16મીથી 15 દિવસ સુધી છે. એટલે લોકોએ લગ્નના દિવસ નજીક હોવાથી સપ્તાહ પહેલા જ કંકોતરીઓ પણ બહારગામ અને સ્થાનિક મોકલાવી દીધી છે. અને 400 લોકોની ગણતરી કરીને જ નજીકના સગા-સંબધીઓને કંકોતરી મોકલાવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે સરકારે લગ્નોમાં માત્ર 150ની મર્યાદા નક્કી કરી છે. એટલે વર-વધૂ બન્નેપક્ષે 75+75 લોકો જ હાજર રહી શકે. એટલે હવે કંકોતરી મોકલી દીધી છે. તેમને હવે લગ્નમાં આવશો નહીં તેવી ના પાડવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસ વધવાને લીધે સરકારે નિયંત્રણો તો લાદી દીધા છે.પરંતુ ખાસ કરીને તેવા લોકો માટે પ્રશ્ન ઉભો થાય છે, જેઓ આ મહિને ઘરે લગ્નનું મુહૂર્ત લઈને બેઠા છે. કમુરતા પૂરા થઈ રહ્યા છે અને 15મી જાન્યુઆરીથી ફરીથી લોકોને ત્યાં ઢોલ-નગારા વાગતા સંભળાશે. જેને આડે હવે ત્રણ દિવસની જ વાર છે. કેટલાકને ત્યાં તો 15મી તારીખે જ પ્રસંગ છે અને તેમણે પહેલાની ગાઈડલાઈન્સ પ્રમાણે 400 લોકોને આમંત્રિત પણ કરી દીધા છે. હવે, તેઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે. અચાનક સંખ્યા ઘટાડી દેવાતા કોને બોલાવવા અને કોને ના પાડવી તેવી મૂંઝવણમાં છે. જોકે જે પરિવારોને ત્યાં ફેબ્રુઆરીમાં લગ્નો યોજાવાના છે. એવા ઘણા પરિવારોએ લગ્ન મોકુફ રાખી દીધા છે. લોકો લગ્નની તારીખ બદલાવી રહ્યા છે જ્યારે કેટલાંક લોકોએ તો લગ્ન કેન્સલ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.