Site icon Revoi.in

નર્મદ યુનિના કાનૂની વિધાશાખાના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની પુનઃરચના નિયમ વિરુદ્ધની હોવાનો આક્ષેપ

Social Share

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની લો ફેકલ્ટીના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝની રચના યુનિવર્સિટીના યોગ્ય ધારાધોરણ મુજબ ન કરવામાં આવતાં કુલપતિ ચાવડાની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જેથી આ ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની ગેરબંધારણીય કરાય હોય આને રદ કરવાની માંગણી સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ કરી છે.

નર્મદ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીના જણાવ્યા મુજબ યુનિ.ના સબંધિત સ્ટેચ્યુટ -121 મુજબ અગાઉ બોર્ડ ઓફ સ્ટડીઝની રચના કરવામાં આવી હતી.આ ત્રણેય બોર્ડની પ્રથમ મીટિંગ ગત 7મી મે 2021ના રોજ ઓનલાઇન યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી હતી. આ ત્રણેય કાનૂની વિધાશાખાના બોર્ડમાં યુનિવર્સિટીના નિયમો મુજબ સભ્યો કોઓપ્ટ કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી.તેની મિનિટસ પણ પાસ કરી દરેક સભ્યોને મોકલવામાં આવી હતી. ત્યારબાદ કાનૂની વિધાશાખાના ત્રણેય બોર્ડમાં ચેરમેન અને કો-ચેરમેનની નિમણૂંક માટેની બીજી મિટિંગ તા.24મી મેના રોજ યુનિવર્સીટી દ્રારા રાખવામાં આવી હતી અને તેનો એજન્ડા પણ નવી રચાયેલ બોર્ડના દરેક સભ્યોને યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવ્યો હતો.

પરંતુ યુનિવર્સિટીના સ્ટેચ્યુટના આધારે નવી રચાયેલ લો ફેકલ્ટીની ત્રણેય બોર્ડની બીજી મીટીંગ 24મી મેના રોજ મળે તે પહેલા યુનિવર્સિટી દ્વારા 22મી મેના રોજ બોર્ડ ઓફ સ્ટડિઝની પુનઃરચના માટે સંદતર ખોટી રીતે, ગેરકાનૂની રીતે પરિપત્ર કરી આ બોર્ડને રદ કરવામાં આવ્યા હતા. કાનુન વિધાશાખાના આ ત્રણેય બોર્ડને યુનિવર્સિટીના ક્યાં નિયમોને આધારે પુનઃરચના કરવાનું નક્કી કરવામાં આવ્યું તેનો પણ આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ કાયદાની વિધાશાખામાં જ કાયદાની વિરુદ્ધની કામગીરી કરવામાં આવી રહી હોવાનું ફળિત થાય છે. જે બાબત ખુબ જ ગંભીર લેખાવી શકાય છે.