અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી ગઈ તા. 7મી મેના રોજ યોજાઈ હતી. તેની મતગણતરી તા. 4થી જુનને મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેની તમામ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 25 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. જેમાં સુરતની બેઠક બીનહરિફ થતાં 26 બેઠકોની ચૂંટણી યોજવામાં આવી હતી.
ગુજરાત ચૂંટણી પંચના સીઈઓ પી ભારતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 25 લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીની 4થી જુનને મંગળવારે હાથ ધરાનારી મતગણતરી દરમિયાન 56 નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે. તમામ મત ગણતરી કેન્દ્રોની બહાર તેમજ અંદર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રાજ્યમાં 4થી જુને યોજાનારી મત ગણતરી કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરવામાં માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે ચૂંટણી પંચની બેઠક મળી હતી. જેમાં 26 મતગણતરી કેન્દ્રો પર રાજ્ય પોલીસના નોડલ અધિકારીઓ અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં 4 જૂન, 2024ના રોજ યોજાનારી મત ગણતરીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ મતદાન મથકો પર જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 02 મતગણતરી કેન્દ્રો છે, જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારમાં એક-એક મતગણતરી કેન્દ્ર પર મત ગણતરી શરૂ કરવામાં આવશે.
ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારીઓ અને 180 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે. વધુમાં, લગભગ 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. 2 જૂન સુધીમાં તમામ નિરીક્ષકો મતગણતરી સ્થળે હાજર રહેશે. આ ઉપરાંત મતગણતરી હોલમાં બે માઈક્રો ઓબ્ઝર્વર રાખવામાં આવશે. મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. માત્ર અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો અને ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કાઉન્ટિંગ એજન્ટોને જ મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃતતા જારી કરવામાં આવેલ મીડિયા વ્યક્તિઓ પણ પ્રવેશ કરી શકશે.
પી ભારતીના જણાવ્યા મુજબ, સ્ટ્રોંગરૂમ રિટર્નિંગ ઓફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની હાજરીમાં ખોલવામાં આવશે. ત્યારબાદ ઈવીએમને ગોળાકાર રીતે બહાર કાઢીને કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે. પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. પંચના જણાવ્યા અનુસાર, મતદાન કેન્દ્ર પરિસરમાં મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.