ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થતા હવે સોમવારથી વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજોમાં આગામી સોમવારથી સત્તાવાર રીતે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હવે વિદ્યાર્થીઓએ પીન ખરીદવી નહીં પડે, ફોર્મ ભર્યા બાદ સબમીટ કરાવતી વખતે જ ફી ભરવાની રહેશે.
ધો.12 સાયન્સમાં માસ પ્રમોશનના કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓ પાસ થાય તેમ હોવાથી પ્રવેશ માટે સાયન્સ કોલેજોમાં આગોતરુ આયોજન કરવું પડે તેમ છે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 32 સાયન્સ કોલેજમાં અંદાજે 14 હજાર બેઠક ઉપલબ્ધ છે. ગતવર્ષે પ્રવેશના પાંચ રાઉન્ડ પછી પણ 5 હજાર બેઠક ખાલી પડી હતી.
આ વર્ષે નવી યુનિવર્સિટીઓની રચના થતાં બે કોલેજો તેમાં હોવાથી તેને યુનિવર્સિટી સાથે રાખવી કે નહીં તે મુદ્દે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ ઉપરાંત ગત વર્ષે સાયન્સ સહિતના તમામ કોર્સમાં પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, આ વર્ષે સરકારી એજન્સીને કામગીરી સોંપવાનું નક્કી કરાયું છે. જેના કારણે પ્રવેશ પધ્ધતિમાં સામાન્ય ફેરફાર થાય તેમ છે.
ગુજરાત યુનિ.ના પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યુ હતું કે, દર વર્ષે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે પીન વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પીન વિતરણ નહીં, પરંતુ વિદ્યાર્થી ફોર્મ ભર્યા બાદ સબમીટ કરે ત્યારે પીન લેવાની રહેશે. ભૂતકાળમાં વિદ્યાર્થીઓ પીન લીધા બાદ રજિસ્ટ્રેશન ન કરાવતાં હોવાથી પીનના રૂપિયા વેડફાતા હતા, પરંતુ હવે ફોર્મ સબમીટ કર્યા પછી જ આ ફી ભરવાની રહેશે. કુલ કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બને છે તેની ચકાસણી કર્યા બાદ આગામી સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કરાયું છે.
સામાન્ય રીતે મેડિકલ-ઇજનેરીની પ્રવેશ કાર્યવાહી શરૂ થયા બાદ સાયન્સમાં પ્રવેશ માટેની વાસ્તવિક સ્થિતિ બહાર આવતી હોય છે. આમ છતાં હાલમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરાશે. માસ પ્રમોશનના કારણે બેઠકો ખાલી રહેવાની કોઇ શક્યતા નથી. ઉલટાનું પ્રવેશ માટેની સમસ્યા ઉભી થાય તો બે રાઉન્ડ પછી સાયન્સ કોલેજોને વધારાનું ડિવિઝન આપવા અંગેની વિચારણા કરવામાં આવશે.