લાંબા સમય બાદ વિદ્યાર્થીઓનો શાળાના વર્ગખંડમાં પ્રવેશ: ધો-10 અને 12ના શિક્ષણનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 9 મહિનાથી કોરોના મહામારીને વચ્ચે બંધ હતી. જો કે, આજથી સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ધો-10 અને ધો-12 વિદ્યાર્થીઓનું સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને થર્મલગનથી તાપમાન માપવાની સાથે સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને માસ્ક અને સામાજીક અંતરનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કલાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વિદ્યાર્થીઓને કલાસમાં બેસાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હવે સ્કૂલો અનલોક થઈ રહી છે. આજે સવારે ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સ્કૂલ આવ્યાં હતા. સ્કૂલે આવેલા વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓનું સંમતિપત્ર પણ લેવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. કલાસ રૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. શહેરમાં નિકોલ ખાતેની સ્કૂલમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ વિદ્યાર્થીઓને આવકાર્યાં હતાં. તેમણે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ગાઈડલાઈનનું પાલન કરાવ્યું હતું. તે ઉપરાંત સ્કૂલની વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. પરંતુ હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો ઈન્કાર કર્યો છે. તેમજ વાર્ષિક પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.