Site icon Revoi.in

સીઝફાયર પૂર્ણ થતા ઈઝરાયલ-હમાસ વચ્ચે ફરીથી યુદ્ધનો પ્રારંભ

Social Share

નવી દિલ્હીઃ ઇઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પર ઇઝરાયેલી પ્રદેશ તરફ ગોળીબાર કરીને અસ્થાયી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા પછી હમાસ સામે લડાઇ ફરી શરૂ કરી છે. સવારે 7 વાગ્યે  યુદ્ધવિરામ સમાપ્ત થવાના એક કલાકમાં, ઇઝરાયેલે કહ્યું કે, હમાસે ગાઝામાંથી છોડેલા રોકેટને અટકાવવામાં આવ્યું હતું. હમાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી અને ગોળીબાર જવાબદારીનો દાવો પણ કરવામાં આવ્યો નથી. હમાસે ગઈકાલે જ યુદ્ધવિરામ કરાર હેઠળ ગાઝામાં વધુ 8 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા. બદલામાં ઈઝરાયેલે 30 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા. હમાસે પહેલા બે મહિલા બંધકોને મુક્ત કર્યા હતા. ઇઝરાયેલે તેમની ઓળખ મિયા સ્કીમ,અમિત સોસાના તરીકે કરી છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ત્યારબાદ હમાસે વધુ છ બંધકોના જૂથને મુક્ત કર્યા અને તેમને રેડ ક્રોસમાં સ્થાનાંતરિત કર્યા. એવું માનવામાં આવે છે કે લગભગ 140 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે.

દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં ઈઝરાયેલ તરફથી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. ગાઝાના ઉત્તર-પશ્ચિમમાં એક ઘર પર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસ દ્વારા ઇઝરાયેલમાં પણ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે શુક્રવારે સવારે 7 વાગે યુદ્ધવિરામ સમાપ્ત થયો અને તેના અડધા કલાક બાદ જ હમાસ તરફથી હુમલો થયો. હમાસે દાવો કર્યો છે કે, આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો હતો. કતાર અને ઇજિપ્ત દ્વારા યુદ્ધવિરામને લંબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેમને સફળતા મળી નથી. બીજી તરફ ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામ બાદ તે હમાસ પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરશે અને જ્યાં સુધી હમાસનો નાશ ન થાય ત્યાં સુધી રોકાશે નહીં.