અમદાવાદઃ ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું ગત મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી યુએસમાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે યુએસ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા ડૉ. નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે.
સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, ડૉ. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી અને પ્રસારણ, નાણાં, ખાદ્ય અને નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ જેવા મુખ્ય સરકારી વિભાગો સફળતાપૂર્વક કમાન સંભાળી હતી. તેમની પાસે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ, હેલ્થ વગેરે ક્ષેત્રનો સમૃદ્ધ અનુભવ હતો. ડૉ. નંદાએ વ્યાવસાયિક મહત્વના વિષય પર ઘણા લેખો તેમજ પુસ્તકો લખ્યા છે. આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે પીએમઓ તરફથી પ્રશંસા સહિત અનેક પુરસ્કારો તેમને મળ્યા હતા. સક્રિય સિવિલ સર્વિસ પછી ડૉ. નંદા આદિવાસી વિકાસ, ગર્લ ચાઈલ્ડ, પર્યાવરણ, સ્કાઉટ ઓર્ગેનાઈઝેશન, HAM રેડિયો તથા કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા હતા.