Site icon Revoi.in

પરિવારથી દૂર થઈ ગયેલા બે માનસિક દિવ્યાંગ બે યુવાનોનું આધારકાર્ડની મારફતે પરિવાર સાથે પુનઃમિલન

Social Share

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા જનતાને આધારકાર્ડ, પેન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ કામગીરીથી દૂર ભાગે છે અને વિરોધ નોંધાવે છે, પરંતુ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ લોકો માટે આર્શિવાદ સાબિત થાય છે. દરમિયાન માતા-પિતાની નજરોથી ભૂલના કારણે દૂર થઈ ગયેલા માનસિક ક્ષતિવાળા બે યુવાનોનું તેમના આધારકાર્ડના મારફતે પરિવાર સુખદ મિલન થયું હતું. એક યુવાન આઠ વર્ષ પહેલા અને અન્ય યુવા બે વર્ષ પહેલા ભૂલા પડ્યાં હતા અને ગુજરાત આવી ચડ્યાં હતા. તેમને સારસંભાળ ગૃહમાં રાખવામાં આવ્યાં હતા.

રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ, ગાંધીનગર હેઠળ રાજયમાં વડોદરા અને રાજકોટ ખાતે માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ શરુ કરાયો છે. વડોદરા ખાતેની માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ એ રાજયના સમાજ સુરક્ષા ખાતા હેઠળ અનુદાન મેળવે છે. અહીં માનસિક રીતે દિવ્યાંગ અંતેવાસી બાળકોને આશ્રય આપવામાં આવે છે. જે બાળકોના વાલી વારસદાર હયાત ન હોય અથવા રસ્તામાંથી જે બાળકો બિનવારસી સ્થિતિમાં મળી આવ્યા હોય તેમને સંસ્થામાં આશ્રય આપી તેની દેખભાળ કરવામાં આવે છે. 22 વર્ષીય મનુ (સંસ્થા દ્વારા આપવામાં આવેલું નામ) અને 20 વર્ષીય નીલ (સંસ્થા દ્વારા આપવામાં આવેલું નામ) આ બંને દિવ્યાંગ યુવાનોને બોલવાની તકલીફ હોવાને લીધે તે તેના માતા-પિતા અને પોતાના પારિવારિક કે અન્ય કોઇ માહિતી આપી શકતા નહોતા.

વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ ખાતે 22 વર્ષીય મનુ છેલ્લા આઠ વર્ષથી અને 20 વર્ષીય નીલ છેલ્લા બે વર્ષથી આશ્રિત હતા. સંસ્થા ખાતે આ બંનેના આધાર કાર્ડ માટે કામગીરી શરુ થતાં તેની નોંધણી કરાવવામાં આવી હતી પરંતુ તેના આધાર કાર્ડ બનીને ન આવ્યા આથી વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ દ્વારા આધાર કાર્ડ માટેની મુખ્ય કચેરી, મુંબઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમાં વિગત જાણવા મળી કે આ બંનેના આધાર કાર્ડ એક વખત બની ગયા છે તેથી તે ફરી બની શકે તેમ નથી. વધુમાં આધાર કાર્ડ માટેની મુખ્ય કચેરી, મુંબઇ દ્વારા આ બંનેના આધાર નોંધણી નંબર, તારીખ, સમય સહિતની માહિતીઓ આપી હતી. આ માહિતીઓને આધારે વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ દ્વારા 1949 પર સંપર્ક કરી મનુ અને નીલના આધાર નંબર પરથી તેમના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો.

૨૨ વર્ષીય મનુ મુંબઇ, મહારાષ્ટ્રના અંધેરી વિસ્તારના એક પરિવારનો સદસ્ય છે અને ૨૦ વર્ષીય નીલ રાજસ્થાનના જયપુરના એક કુટુંબનો સભ્ય છે. સંસ્થાએ આ બંનેના માતા-પિતા અને પરિવારજનોનો સંપર્ક કરતા તેઓ તેમના સંતાનોને લેવા વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.

વિખૂટાં પડ્યા પછી આટલા સમયે પોતાના સંતાનોને જોઇ માતા-પિતાએ તેમના બાળકોને સહીસલામત હોવાની ખુશી વ્યકત કરી હતી. માતા તેના બાળકને જોઇ ગળે મળીને રડી પડ્યા હતા. માનસિક રીતે ભલે એ બાળકોને તકલીફ હોય પણ લાગણીનો તંતુ એટલો પ્રબળ હોય છે કે એમણે પણ તેના માતા-પિતા અને પરિવારજનોને લાંબા સમયે મળીને પોતાની ખુશી, હરખનાં આંસુઓ સાથે વ્યક્ત કરી હતી.

સંસ્થાના ઇન્ચાર્જ તુષારભાઇ વસઇકરે કહ્યુ કે, 22 વર્ષીય મનુ ગણેશ વિસર્જન વખતે ટ્રેઇનમાં બેસી અહીં વડોદરા સુધી પહોંચ્યો હતો અને તેના પરિવારજનોએ ઘણી તપાસ કરી છતાં તે ન મળ્યો તેથી તે પરત ફરશે તેવી આશા છોડી દીધી હતી20 વર્ષીય નીલે લોકડાઉનના આગલા દિવસે ટ્રેઇનમાં બેસી મુસાફરી કરી અને આણંદ સુધીની સફર કરી. આણંદ પોલીસના સહયોગથી તેને વડોદરા સ્થિત માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આધાર કાર્ડના યુનિક નંબર અને માનસિક ક્ષતિવાળા (દિવ્યાંગ) બાળકો માટે સારસંભાળ ગૃહ સંસ્થાના ઉત્કૃષ્ટ પ્રયાસો થકી આ દિવ્યાંગોને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન થઇ શક્યું. સંસ્થાના અધિક્ષકશ્રી રાકેશભાઇ ચૌધરીએ બંને દિવ્યાંગોને તેમના પરિવારજનોને સુપ્રત કરતા પૂર્વે જરુરી પુરાવાઓ અને તપાસ માટે યોગ્ય કાર્યવાહી કરી હતી.