હૈદરાબાદ – તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનુમુલા રેવંત રેડ્ડી આજે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જય રહ્યા છે . તેઓ શપથ લેવાના એક દિવસ પહેલા બુધવારે પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા હતા.
આ સાથે જ આ શપથ ગ્રહણ સમારોહમાં આજરોજ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ભાગ લેશે. વિતેલા દિવસને બુધવારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેટલાક અન્ય નેતાઓને મળ્યા હતા. રેડ્ડી સંસદ ભવન પણ પહોંચ્યા, જોકે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું ન હતું. શપથ લીધા બાદ તેઓ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. તેઓ તેલંગાણાની મલકાજગીરી લોકસભા બેઠક પરથી સાંસદ છે.
રેડ્ડીને અભિનંદન આપતા રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કર્યું કે તેમના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર તેલંગાણામાં તમામ ગેરંટી પૂરી કરશે અને ‘પ્રજાલા સરકાર’ સાબિત થશે. કોંગ્રેસ નેતૃત્વએ મંગળવારે રેડ્ડીને વિધાયક દળના નેતા બનાવવાનો ‘સર્વસંમતિ’ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે રેડ્ડી 7 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રેડ્ડી તેલંગાણાના બીજા મુખ્યમંત્રી હશે. લગભગ એક દાયકા પહેલા તેલંગાણા નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી, ભારત રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હતા. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં BRAS ને હરાવ્યું. 119 સભ્યોની વિધાનસભામાં પાર્ટીને 64 બેઠકો મળી હતી, જ્યારે BRSને 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.