અમદાવાદઃ ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ગાંધીનગર જિલ્લાની દહેગામ તાલુકા મામલતદાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. મહેસુલ મંત્રીની મુલાકાતને પગલે મામલતદાર કચેરીના કર્મચારી-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મંત્રીએ કચેરીમાં કેટલાક કર્મચારીઓ સાથે વાતચીત કર્યા બાદ કામગીરીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં એક અરજદારને મળીને તેમની રજૂઆત સાંભળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદોને પગલે મહેસુલ મંત્રીએ અગાઉ અધિકારી-કર્મચારીઓને આકરી ટકોર કરી હતી. દરમિયાન તાજેતરમાં જ અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીની મુલાકાત લીધી હતી. આ અગાઉ મહેસુલ મંત્રી આણંદના પેટલાદમાં સરપ્રાઇઝ વિઝીટે પહોંચી ગયા હતા અને એક અરજદારનું ફોર્મ લઇને કર્મચારી પાસે ગયા હતા, અને કેમ કામગીરીમાં મોડું થાય છે તે બાબતે કર્મચારીઓને સવાલ કરીને ઠપકો પણ આપ્યો હતો. મહેસુલ મંત્રીની આવી કામગીરીને પગલે મહેસુલ વિભાગના કર્મચારીઓ અવાક બની ગયા છે. દરમિયાન આજે તેમણે દહેગામમાં મામલતદાર કચેરીની આજે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારી-કર્મચારી સાથે વાત-ચીત કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.