Site icon Revoi.in

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 150 બોક્સની આવક, 10 કિલોના 1900થી 3000ના ભાવ બોલાયાં

Social Share

રાજકોટઃ શિયાળો પૂર્ણ થતાં જ ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યાં કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. આમ તો આ વર્ષે વિપરિત હવામાનને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. કેરીની સીઝનને હજુ થોડો સમય બાકી છે. ત્યાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 150 બોક્સની આવક થઈ છે. મુહૂર્તના કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 1900થી લઈને 3000 સુધીનો બોલાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

ગોંડલ માર્કેટયાર્ડમાં  મીઠી મધુર કેસર કેરીનું આગમન થયુ છે. પ્રથમ વખત ઊના પંથકમાંથી કેસર કેરી વેચવા માટે ખેડુતો આવ્યા હતા. પ્રથમ દિવસે કેસર કેરીનાં 150 જેટલા બોક્સની આવક થઈ હતી. ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની સીઝન દરમિયાન સાસણ ગીર, તાલાલા, ઊના, કચ્છ સહિતના પંથકમાંથી કેસર કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે. દર વર્ષ કરતાં આ વખતે કેસર કેરીનું આગમન મોડુ થયુ છે. ગત વર્ષે સીઝન કરતાં વહેલી આવક જોવા મળી હતી. યાર્ડમાં સીઝનની પ્રથમ કેસર કેરીનાં 150 બોક્સની આવક થઈ હતી. જોકે બજારમાં કેસર કેરીની સીઝનના પ્રારંભ સાથે એના સ્વાદપ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. જો કે પ્રારંભમાં કેસર કેરીના ભાવ વધુ હોવાથી હાલ શ્રીમંત લોકો જ કેરી આરોગી શકે તેવી સ્થિતિ છે. ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં હરાજીના મુહૂર્તના કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 1900થી લઈને 3000 સુધીનો બોલાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુહૂર્તમાં કેસર કેરીના એક બોક્સે રૂ. 900નો વધારો જોવા મળ્યો હતો, જેથી ખેડૂતો હાલ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.