ડીસાઃ બનાસકાંઠામાં ડીસા પંથક બટાટાની ખેતી માટે વખણાય છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાકાની નવી આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં રોજની 5 હજાર કરતા વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે. જેમાં ધોયેલા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 141 થી 232 રૂપિયા નોંધાઈ રહ્યા છે. તેમજ માટીવાળા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 80 થી 205 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે શિયાળાની શરૂઆત થતા મોટા પ્રમાણમાં બટાકા વાવેતરની શરૂઆત થઈ જાય છે. દર વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 60 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. જેમાં માત્ર ડીસા તાલુકામાં 31 હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયુ હતુ. ડીસા પંથકના બટાકા અન્ય રાજ્યોમાં પણ વેચાણ માટે મોકલવામાં આવે છે. ડીસા માર્કેટ યાર્ડમાં આ વખતે ખેડુતોને બટાકાના સારા ભાવ મળી રહ્યા છે. જેમાં ધોયેલા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 141 થી 232 રૂપિયા નોંધાઈ રહ્યા છે. તેમજ માટીવાળા બટાકાના પ્રતિ 20 કિલોના ભાવ 80 થી 205 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ જિલ્લાના ખેડૂતો ડીસા અને ભીલડી માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. માર્કેટ યાર્ડમાં મગફળી, બાજરી, ઘઉં, એરંડા, ગવાર, તલ, રાયડો, રજકા, બાજરી, પાકની આવક થઈ રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની માત્ર 1, 784 બોરીની આવક નોંધાઈ હતી. પ્રતિ 20 કિલોના 1,450 રૂપિયા ભાવ નોંધાયો હતો. તેમજ ભીલડી ખાતે 9મી જાન્યુઆરીએ મગફળીની 12 બોરીની આવક થઈ હતી તેનો ભાવ 1,300 રૂપિયા નોંધાયો છે.