Site icon Revoi.in

ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક સ્થળે ધોધમાર વરસાદ

Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. રાજ્યના લગભગ 10 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દરમિયાન પંચમહાલના ગોધરામાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને પગલે ઠંડક પ્રસરી ગઈ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

સાબરકાંઠા, આણંદ, દાહોદ, નર્મદા, ખેડા સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજા વરસ્યા હતો. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હિંમતનગરના ધનપુરા, ખેડ, રામપુરા, પીપળી કંપા, બળવંતપુરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આણંદ જિલ્લાના આણંદ, વિદ્યાનગર, કરમસદ અને વલાસણમાં વરસાદ પડ્યો હતો. દાહોદના લીમડી, ઝાલોદ, લીમખેડા, ધાનપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.

ખેડાના ડાકોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે ડાકોરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું. ભારે વરસાદને કારણે ડાકોર મંદિર બહાર પાણી ભરાયા હતા. ડાકોર સહિત કાલસર, ધુણાદરા, આગરવા, જાખેડ, સુઈ, વલ્લભપુરા, ગળતેશ્વર, સેવાલીયા, થર્મલ, મેનપુરા અને અંબાવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. નર્મદા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

પંચમહાલ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જાંબુઘોડા, ઘોઘંબા, હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા પંથકમાં વરસાદ નોંધાયો હતો. જાંબુઘોડા તાલુકામાં 2.5 ઈંચ અને ઘોઘંબામાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદ વરસી રહ્યો છે.