રાજકોટઃ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને લીધે આજે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ અષાઢી માહોલ સાથે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને સવારનાં ભાગે ઉતર-પૂર્વનાં ઠંડા પવનો સાથે વરસાદના છાંટણા પડતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ છવાયું હતું. આજે સવારથી રાજકોટ, ગોંડલ, વિંછીયા, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયા હતા. સાથોસાથ વિવિધ જગ્યાએ વરસાદી છાંટા પણ પડયા હતા.
રાજ્યના હવામાન વિભાગે બે દિવસ માટે રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર અને ઉતર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યાબાદ આજે બુધવારથી ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને સવારથી સૂર્ય નારાયણ પણ વાદળોમાં છૂપાયેલા રહ્યા હતા. વરસાદી માહોલથી ખેડુતો ચિંતાતુર બની ગયા છે. ખાસ કરીને કેરી, ઘઉં, ધાણા, જીરૂ, અને તલનાં પાકને તેમજ માર્કેટ યાર્ડમાં પડેલા ટન બંધ માલને નુકસાનની ભીતિ સર્જાઇ છે. દરમિયાન હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને 18 માર્ચ, સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં આજે સવારથી જ ઘટાટોપ વાદળો છવાયા છે. દરમિયાન પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા, ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લામાં હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા. અથવા તે પાકોને પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા તથા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિ ત રાખવા ખેતીવાડી વિભાગે સુચના આપી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાના વિંછીયા વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારના સાડા સાત વાગ્યા ના સમયે વીજળી ના ભારે કડાકા-ભડાકા અને ગડગડાટી સાથે હળવો ઝરમર વરસાદ થોડીવાર માટે વરસી ગયો હતો. સવારે 9 -30 વાગે આકાશ માં વાદળો સાથે સૂર્યનારાયણ વાદળો ની પાછળ છૂપાઈ ગયા હતા અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે ધોરાજી પંથકમાં પણ આજે સવારે છાંટા પડયા હતા. તેમજ દ્વારકાનાં અમુક ગ્રામ્ય વિસ્તારો તથા ખંભાળીયામાં પણ વ્હેલી સવારે છાંટા પડયાનાં અહેવાલો મળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના આજુબાજુના વિસ્તાર તેમજ વઢવાણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તેના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. માવઠાને લીધે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. હાલના ખેડૂતો દ્વારા જીરું તૈયાર થઈ ગયું હોય, ખેતરમાં સલો કરી અને જીરું બહાર કાઢવામાં આવી રહ્યું છે બીજી તરફ વરિયાળી ધાણા જેવા પાકો પણ તૈયાર થઈ ચૂક્યા છે તે પણ હાલમાં ખેતરમાં પડ્યા છે. ત્યારે વરસાદને લીધે નુકશાન થવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો છે. ભાવનગરના ગોહિલવાડ પંથકમાં ફરી માવઠાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આજે બુધવારે સવારથી જ શહેર અને જિલ્લામાં ધાબડીયુ વાતાવરણ રહેવા પામ્યુ હતું . જિલ્લામાં માવઠાને કારણે પાકને નુકસાન થશે તેવી ચિંતા ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.