અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. અંકલેશ્વર અને ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં હળવોથી ધોધમાર કમોસમી વરસાદ વરસતા જાણે કે શિયાળામાં ફરી ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ચિંતા ઉભી થઈ છે. માવઠાની આગાહીને પગલે રાજ્યના માર્કેટ યાર્ડોમાં પણ ખેડૂતોના પાકને નુકશાન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક યાર્ડ ત્રણેક દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક શહેરો અને નગરોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઓલપાડ તાલુકાના ગામોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો અંકલેશ્વરના અમુક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી લીધી હતી અને મંડળી સુધી પહોંચાડવાની તૈયારીમાં હતાં તેવામાં વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે તો બીજી તરફ માવઠાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.