અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ જીએનજીના ભાવમાં પણ વધારો કરાતા રિક્ષાચાલકોની હાલક કફોડી બની છે. અમદાવાદ શહેરમાં તમામ રિક્ષાઓ સીએનજી સંચાલિત છે. અને હાલના મીટર પ્રમાણેના દર રિક્ષાચાલકોને પરવડતા ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની રિક્ષાચાલકો માગ કરી રહ્યા છે. શહેરના મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષાચાલકોએ સીએનજીના ભાવવધારા સામે વિરોધ દર્શાવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરાયા બાદ સીએનજીના ભાવમાં પણ અસહ્ય વધારો કરાતા શહેરના રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. અને સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યા છે. અને રિક્ષાચાલકોએ હવે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રિક્ષાચાલકોની સરકાર સમક્ષ માગણી છે કે CNGમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અથવા રિક્ષાચાલકોને સબસિડી આપવી જોઈએ.
રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ હવે CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે. સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો. જે વધીને 81.59 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ વધારો સામાન્ય જનતા અને રિક્ષાચાલકોને પોસાય તેમ નથી. સીએનજીના અસહ્ય ભાવ વધારાને પગલે રિક્ષાચાલકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક વર્ષ પહેલા જે ભાવે પેટ્રોલ મળતું હતું તે ભાવે અત્યારે સીએનજી મળી રહ્યો છે. જેથી હવે લોકો માટે વાહન ચલાવવું વધારે મોંઘું બન્યું છે.
સીએનજીમાં ભાવ વધારા બાદ અમદાવાદ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનએ રિક્ષા ભાડામાં સ્વયંભૂ વધારો કર્યો હતો. જેમાં મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કર્યું છે. જ્યારે રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કર્યું છે. તેમજ સરકાર અને મંત્રીને ભાડા વધારા અંગે રજૂઆત કરવા છતાં ભાડું નહીં વધારતા સ્વયંભૂરીતે રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 1 એપ્રિલના રોજ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે માત્ર એક અઠવાડિયામાં જ 2 રૂપિયાનો ફરી ભાવ વધારો કરાયો છે. બે દિવસ પહેલાં ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક સાથે રૂ. 6.45 નો ભાવ વધારો ઝીંક્યો હતો, જેથી નવો ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. ગુજરાત ગેસના CNGનો જૂનો ભાવ 70.53 હતો.