અમદાવાદઃ શહેરના રિક્ષાચાલકો પોતાના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને ફરી એકવાર સક્રિય થયા છે. અમદાવાદ કલેક્ટર કચેરી પાસે રિક્ષાચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાચાલકોની કરાતી હેરાનગતિ, સીએનજીના ભાવમાં વધારો વગેરેના વિરોધમાં રિક્ષાચાલકોએ કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
શહેરના રિક્ષાચાલકો ભેગા થઈ અમદાવાદ કલેક્ટર કચેરી પાસે બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રિક્ષા ચાલકોની માંગ છે કે, પોલીસ મારફતે કરવામાં આવતી હેરાનગતિ, સીએનજી ભાવમાં ઘટાડો કરવામાં આવે. અગાઉ રિક્ષાચાલકોના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગને લઈને મળીને રજૂઆત પણ કરી હતી. જોકે તે અંગે કોઈ નિવેડો આવ્યો નથી. અગાઉ રાજ્ય સરકારે રિક્ષાના ભાડામાં ન્યૂનતમ ભાડું 15થી વધારીને 18 રૂપિયા અને પ્રતિ કિલોમીટર ભાડું 10થી વધારી 13 રૂપિયાની જાહેરાત કરી હતી.
અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોના વિવિધ એસોસિયેશનો અને સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા સી.એન.જી. ના ભાવ વધારો પાછો ખેંચવા, રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો ઉપર થતાં પોલીસ અત્યાચાર બંધ કરવા માંગ કરી રહ્યા છે. રિક્ષાચાલક સમિતિની મુખ્ય માંગ છે કે, સીએનજીના ભાવ ઘટાડી બીજા રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડીને ભાવ ઘટે તો સીએનજીના ભાવમાં કેમ નહીં! સીએનજીમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે. જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો સીએનજીના ભાવમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે. કે, અમદાવાદના રિક્ષાચાલકોએ સીએનજીના ભાવ વધારા સામે અગાઉ હડતાળ પણ પાડી હતી. પણ તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. કોરોના કાળમાં રિક્ષાચાલકોની આર્થિક હાલત ખૂબ કફોડી બની હતી. આથી રિક્ષાચાલકો સરકાર પાસે આર્થિક મદદ માગી રહ્યા છે.