Site icon Revoi.in

CNGના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષાચાલકોની તા.15મીથી 36 કલાકની હડતાળ

Social Share

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા બાદ સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટ ઘટાડતા ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યારે રિક્ષાચાલકોએ CNGના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.  આજે ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રીક્ષા ચાલક યુનિયનના પ્રતિનિધિઓ તથા ટેક્સી ચાલક પ્રતિનિધિઓ બેઠક મળી હતી. અમદાવાદ ખાતે મળેલી  આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો પણ રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે. આ બેઠકમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ રિક્ષાચાલકો આગામી 15મી અને 16મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રિક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રિક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રિક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે તમામ રિક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રિક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે.

રિક્ષાચાલક એસોના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુરૂવારે  રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. ત્યારે બાદ તા. 12મીએ રિક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.  તા. 14મી  નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રિક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રિક્ષા ચાલકોએ કરી છે.