નવી દિલ્હીઃ ટકાઉક્ષમ વપરાશ દ્વારા LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) અભિયાન પર ભાર મૂકવાના પ્રયાસરૂપે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ‘રાઇટ ટુ રિપેર’ એટલે કે રિપેર કરવાના અધિકાર માટે એકંદરે માળખું તૈયાર કરવાના ઉદ્દેશથી આ દિશામાં એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે.
ભારતમાં ‘રાઇટ ટુ રિપેર’ માટે આ માળખું તૈયાર કરવાનો ઉદ્દેશ ગ્રાહકો અને સ્થાનિક બજારમાંથી ઉત્પાદનો ખરીદનારા ખરીદદારોને સશક્ત બનાવવાનો, અસલ ઉપકરણ વિનિર્માતાઓ અને તૃતીય પક્ષ ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે તાલમેલ સ્થાપિત કરવાનો, ઉત્પાદનોના ટકાઉક્ષમ વપરાશ પર ભાર મૂકવાનો અને ઇ-કચરામાં ઘટાડો કરવાનો છે. ભારતમાં એકવાર તેનો અમલ થઇ જાય એટલે, ઉત્પાદનોની ટકાઉક્ષમતા માટે તે ગેમ ચેન્જર બની જશે તેમજ તૃતીય પક્ષને રિપેર કરવાની મંજૂરી આપીને આત્મનિર્ભર ભારત દ્વારા રોજગારી સર્જનના ઉત્પ્રેરક તરીકે સેવા આપશે.
વિભાગ દ્વારા આ સંદર્ભે, એક સમિતિની રચના કરવામાં આવી છે જેની અધ્યક્ષતા ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ શ્રીમતી નિધિ ખારે કરશે. આ સમિતિમાં DoCAના સંયુક્ત સચિવ અનુપમ મિશ્રા, પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયધીશ, પંજાબના રાજ્ય ફરિયાદ તકરાર નિવારણ પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ જસ્ટિસ પરમજીતસિંહ ધાલીવાલ, પટિયાલાની રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઓફ લૉના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) જી. એસ. બાજપેયી ચેર ઓફ કન્ઝ્યુમર લૉ એન્ડ પ્રેક્ટિસ પ્રો. અશોક પાટીલ તેમજ ICEA, SIAM જેવા વિવિધ હિતધારકોના પ્રતિનિધિઓ, કન્ઝ્યુમર એક્ટિવિસ્ટો અને ગ્રાહક સંગઠનો સભ્યો તરીકે સામેલ છે.
આ સમિતિની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી જેમાં ‘રાઇટ ટુ રિપેર’ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. ઓળખી કાઢવામાં આવેલા ક્ષેત્રોમાં ખેતીવાડીના ઓજારો, મોબાઇલ ફોન/ટેબ્લેટ્સ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને ઓટોમોબાઇલ/ઓટોમોબાઇલ ઉપકરણોનો સમાવેશ થાય છે.
આ બેઠક દરમિયાન પ્રકાશ પાડવામાં આવેલા સંબંધિત મુદ્દાઓમાં, ગ્રાહકોને સરળતાથી રિપેરિંગ કરવામાં મદદરૂપ થઇ શકે તેવા મેન્યુઅલનું પ્રકાશન કંપનીઓ દ્વારા ટાળવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉત્પાદકો પાસે સ્પેર પાર્ટ્સ (તેઓ સ્ક્રૂ અને અન્ય માટે જે ડિઝાઇનનો ઉપયોગ કરે છે તે અંગે) પર માલિકીનું નિયંત્રણ હોય છે. રિપેર પ્રક્રિયાઓ પર તેમનો એકાધિકાર ગ્રાહકના “પસંદ કરવાના અધિકાર”નું ઉલ્લંઘન કરે છે. દાખલા તરીકે ડિજિટલ વૉરંટી કાર્ડ્સના કારણે સુનિશ્ચિત થાય છે કે, ગ્રાહક જો “બિન-માન્યતાપ્રાપ્ત” આઉટફીટમાંથી ઉત્પાદન મેળવે તો, તેઓ ગ્રાહક વૉરંટીનો દાવો કરવાનો અધિકાર ગુમાવે છે.
ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ (DRM) અને ટેકનોલોજિકલ પ્રોટેક્શન મેઝર (TPM)ને લગતા વિવાદો માટે DRM કોપીરાઇટ ધારકો માટે ઘણી મોટી રાહત સમાન છે. વિનિર્માતાઓ ‘સુનિયોજિત અપ્રચલિતતા’ની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ એક એવી વ્યવસ્થા છે જેમાં કોઇપણ ગેજેટની ડિઝાઇન એવી હોય છે કે તે ફક્ત ચોક્કસ સમય સુધી જ રહે છે અને તે ચોક્કસ સમયગાળો પૂરો થયા પછી તેને ફરજિયાતપણે બદલવી પડે છે. જ્યારે કરારો ખરીદદારોને સંપૂર્ણ નિયંત્રણ સોંપવામાં નિષ્ફળ રહે છે – ત્યારે માલિકોના કાનૂની અધિકારને હાનિ પહોંચે છે.
બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન, એવું લાગ્યું હતું કે ટેકનોલોજી કંપનીઓએ મેન્યુઅલ, સ્કીમેટિક્સ (યોજના વિષયક) અને સૉફ્ટવેરના અપડેટ્સ અંગે સંપૂર્ણ જ્ઞાન અને ઍક્સેસ પૂરા પાડવા જોઇએ અને સૉફ્ટવેર લાયસન્સના કારણે વેચાણમાં ઉત્પાદનની પારદર્શિતા મર્યાદિત ન થવી જોઇએ. ડાયગ્નોસ્ટિક ટૂલ્સ (નિદાનાત્મક ટૂલ્સ) સહિતના સેવા ઉપકરણોના ભાગો અને સાધનોને, વ્યક્તિઓ સહિત તૃતીય પક્ષોને ઉપલબ્ધ કરાવવા જોઇએ જેથી કરીને જો કોઇ નાની ખામી હોય તો તેવા ઉત્પાદનને રિપેર કરી શકાય.
સદભાગ્યે, આપણા દેશમાં, વાઇબ્રન્ટ રિપેરિંગ સેવા ક્ષેત્ર અને તૃતીય પક્ષ દ્વારા રિપેરિંગની કામગીરીઓ અસ્તિત્વમાં છે, જેમાં વલયાકાર અર્થતંત્ર માટે સ્પેર પાર્ટ્સ પૂરા પાડવા માટે ઉત્પાદનોને કેનબિલાઇઝ કરતા એટલે કે ઉત્પાદનને રિપેર કરવા માટે અન્ય ઉત્પાદનમાંથી પાર્ટ્સ કાઢીને નાંખતા લોકો પણ સામેલ છે.
આ ઉપરાંત, આ બેઠક દરમિયાન આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ, અન્ય દેશો દ્વારા લેવામાં આવેલા પગલાં અને તેને ભારતીય પરિદૃશ્યમાં તેને કેવી રીતે સમાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. USA, UK અને યુરોપિયન યુનિયન સહિત દુનિયાભરના સંખ્યાબંધ દેશોમાં ‘રાઇટ ટુ રિપેર’ને માન્યતા આપવામાં આવી છે. USAમાં, સંઘીય વેપાર પંચે ઉત્પાદકોને સ્પર્ધાત્મકતા વિરોધી અયોગ્ય પ્રથાઓનો ઉકેલ લાવવા માટે નિર્દેશ આપ્યો છે અને ગ્રાહકો પોતે અથવા તૃતીય-પક્ષ એજન્સી દ્વારા ઉત્પાદનોનું સમારકામ થઇ શકે તેવું સુનિશ્ચિત કરવાનું પણ જણાવ્યું છે.
ગયા મહિને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી)ની વિભાવના શરૂ કરી છે. આમાં ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ કન્ઝ્યુમર ઉત્પાદનોનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગનો સમાવેશ થાય છે. રિપેરિંગ એ તમામ પ્રકારના પુનઃઉપયોગ અને ઉત્પાદનોની ટકાઉપૂર્ણ આવરદા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. જે ઉત્પાદનું રિપેરિંગ કરી શકાતું નથી અથવા સુનિયોજિત અપ્રચલિતતા હેઠળ આવે છે એટલે કે કૃત્રિમ રીતે મર્યાદિત આવરદા ધરાવતા ઉત્પાદનો તૈયાર કરવાના કારણે ખૂબ જ મોટાપાયે ઇ-વેસ્ટ નીકળે છે અને સાથે સાથે ગ્રાહકોને તેનો પુનઃઉપયોગ કરવા માટે કોઇપણ રિપેરિંગની જરૂરિયાત પડે તેવા સંજોગોમાં નાછૂટકે નવું ઉત્પાદન ખરીદવું પડે છે. આમ, ઉત્પાદનોના રિપેરિંગને પ્રતિબંધિત કરવાથી ગ્રાહકોને જાણી જોઇને તે ઉત્પાદનનું નવું મોડલ ખરીદવાનો વિકલ્પ પસંદ કરવાની કરવાની ફરજ પડે છે.
LiFE અભિયાનમાં ઉત્પાદનોના સમજદારીપૂર્ણ અને ઇરાદાપૂર્વક ઉપયોગની વાત કરવામાં આવી છે. “રાઇટ ટુ રિપેર” પાછળ એવો તર્ક છે કે, જ્યારે આપણે કોઇ ઉત્પાદન ખરીદીએ છીએ, ત્યારે આપણે જ તેની સંપૂર્ણ માલિકી ધરાવીએ છીએ તે બાબત સહજ છે, અને તેના માટે ગ્રાહકો સરળતાથી અને વાજબી કિંમતે ઉત્પાદનને રિપેરિંગ કરવા અને તેમાં સુધારો કરવા માટે સક્ષમ હોવા જોઇએ અને રિપેરિંગ માટે તે ઉત્પાદકોની ઇચ્છાને આધીન ના હોવું જોઇએ. જો કે, સમયાંતરે એવું ધ્યાનમાં આવ્યું છે કે રિપેરિંગનો અધિકાર ગંભીર રીતે પ્રતિબંધિત થઇ રહ્યો છે, અને રિપેરિંગમાં નોંધપાત્ર વિલંબ થવાની સાથે સાથે કેટલીકવાર ગ્રાહકોએ જે ઉત્પાદનો પૂરી કિંમત આપીને ખરીદ્યા હોય તેના રિપેરિંગ માટે ગ્રાહક પાસેથી ખૂબ જ ઊંચી કિંમત વસુલવામાં આવે છે અને ગ્રાહકો તે ઉત્પાદન ખરીદ્યા પછી ભાગ્યે જ તેમને કોઇ અન્ય વિકલ્પ આપવામાં આવે છે. મોટાભાગે સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે ગ્રાહકોને ભારે પરેશાની વેઠવી પડે છે અને તેમને હેરાનગતિ થાય છે.