સુરેન્દ્રનગરના ધાળીધજા ડેમમાં ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકાઈ
સુરેન્દ્રનગરઃ શહેરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી મોતના બનાવો વધતા જાય છે. ત્યારે હવે ડેમમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકવામાં આવી છે. સરકારે ફાળવેલી આ આધુનિક બોટનું ફાયર વિભાગની ટીમે ટેસ્ટિંગ પણ કર્યું હતું.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી બારેમાસ ભરેલો રહે છે. બીજીબાજુ ડેમ લોકોને ફરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે. સાથે જ ઘણા લોકો પ્રતિબંધ હોવા છતા ડેમમાં નહાવા માટે પડે છે ત્યારે ડૂબી જવાને કારણે મોતના બનાવો પણ બની રહ્યા છે. આથી ડૂબતા લોકોને બચાવવા માટે સરકારના ફાયર વિભાગે સંયુક્ત પાલિકાને રિમોટથી ચાલતી બોટ અને બીજી એક બોટની ફાળવણી કરી છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ ડેમમાં ડૂબતી હોવાના સમાચાર મળશે એટલે પાલિકાની ટીમ તુરંત આ રિમોટથી ચાલતી બોટને ડેમના પાણીમાં ઉતારી દેશે અને આ બોટ ડૂબતા માણસ સુધી પહોચાડીને તેનો જીવ બચાવવા માટે પ્રયાસ કરશે.
આ બાબતે નગરપાલિકાના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બોટને પાણીની બહાર બેઠા બેઠા રિમોટથી ઓપરેટ કરી શકાશે. બોટ પાણીમાં ઉતારતાની સાથે 30 કિમીથી વધુની ઝડપથી પાણીમાં દોડવા લાશે. ડૂબતી વ્યક્તિને બચાવવા માટે બોટ સાથે હેન્ડલ અને દોરડા લગાવેલા છે. વ્યક્તિ આ બોટને પકડી લે એટલે તેને રિમોટની મદદથી પાછી લવાશે, જેથી ડૂબતાનો જીવ બચાવવામાં મદદરૂપ થશે. આ બોટ 300 કિલો વજન ઊંચકવાની ક્ષમતા પણ ધરાવે છે.