રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે 900 કરોડના ખર્ચે રિંગરોડ-2ને ફોરટ્રેક બનાવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતી સાથે વિસ્તારમાં પણ ઘણોબધો વધારો થયો છે. તેના લીધે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. એટલે શહેરના તમામ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે શહેર ફરતા રિંગ રોડ-2 જે હાલ ટુ ટ્રેકના (દ્વિ માર્ગીય) છે. તેના રૂપિયા 900 કરોડના ખર્ચે ફોરટ્રેક (ચાર માર્ગીય) કરાશે. શહેરમાં વધતા જતાં ટ્રાફિકને ધ્યાનમાં લઇને ફોર ટ્રેક બનાવવાનું ભાવી આયોજન વહેલાસર સાકાર થવા જઈ રહ્યું છે. તેમાં સૌપ્રથમ બેડી ચોકડીથી માલિયાસણ અને બેડીથી એઇમ્સને જોડતા રોડ માટે રૂડાએ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી અંદાજે 900 કરોડની ગ્રાન્ટ આપવા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં રિંગરોડ-2 બન્યા પછી ઘંટેશ્વરથી કાલાવડ રોડ જવા સુધીનો ટ્રાફિક વધ્યો છે. કાલાવડ રોડ તરફ જતો તમામ હેવી વાહનો માધાપર ચોકડીથી લઇને ઘંટેશ્વર થઈને પસાર થાય છે. આવી જ રીતે જામનગર અને દ્વારકા તરફનો ટ્રાફિક કાલાવડ રોડ થઈને રિંગરોડ-2 અને ત્યાંથી ઘંટેશ્વર થઇને જામનગર રોડ તરફ નીકળે છે. ટુ લેન બન્યો ત્યારે એવી કલ્પના હતી કે, પાંચેક વર્ષ પછી ફોર ટ્રેક બનાવવાની જરૂર પડશે, પરંતુ રિંગરોડ-2 પર રહેણાંક પ્રોજેક્ટ અને વસ્તી વધતા સાથે હેવી ટ્રાફિકને જોતા ફોર ટ્રેક બનાવવાની આવશ્યકતા વધી ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) એ કરેલા એક સર્વે મુજબ હાલની સ્થિતિએ સૌથી વધુ ટ્રાફિક અમદાવાદથી બેડી ચોકડી અને માધાપર ચોકડી સુધી વધુ રહે છે. એ જોતા સૌ પ્રથમ અમદાવાદ રોડ એટલે કે માલિયાસણથી બેડી ચોકડી સુધી ફોર ટ્રેક બનાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. તેના માટે અંદાજે 900 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે અને આ માટે રૂડા એ રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગી છે.