દેવગઢબારિયામાં ગૌવંશને બચાવા ગયેલી પોલીસ ટીમ ઉપર તોફાનીઓનો પથ્થમારો, અધિકારી ઈજાગ્રસ્ત
અમદાવાદઃ દાહોદના દેવગઢબારિયામાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ ઉપર કસાઈઓએ ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. કસાઈઓએ કરેલા પથ્થરમારામાં પોલીસ વાહનને ભારે નુકસાન થયું હતું. જ્યારે એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવને પગલે અન્ય પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયાના કાપડી વિસ્તારમાં ગૌવંશ કતલખાને લવાઈ હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, તેમજ ગૌવંશને મુક્ત કરવાની કવાયત શરૂ કરી હતી. દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. તેમજ પોલીસને અટકાવવાનો પ્રયાસ કરીને પોલીસ ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસની અન્ય ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, પોલીસને જોઈને તોફાનીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તોફાનીઓએ કરેલા પથ્થરમારામાં એએસઆઈને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા, એટલું જ નહીં પથ્થરમારામાં પોલીસ વાહનને પણ નુકસાન થયું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે અસમાજીક તત્વો સામે ગુનો નોંધીને પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.