નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી લીધી છે. ડિસેમ્બર 2022માં કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત પહેલી વાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.
વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તરફથી આયોજિત પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધા પછી IPLની આગામી સિઝનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કારણે તેણે લિગામેન્ટ સર્જરી કરાવવી પડી.
પંત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)માં રિહૈબિલિટેશન કરી રહ્યો છે અને માર્ચના છેલ્લા અઠવાડિયાની આસપાસ ચાલુ થનારી IPLની શરૂઆત પહેલા મેચ ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. લેફ્ટ હેન્ડના બેટ્સમેને અગાઉ એક પ્રદર્શની મેચમાં ભાગ લીધો હતો.
બેંગલુરુ નજીક અલૂરમાં ‘ઇન્ટ્રા-સ્કવોડ’ મેચનો ઉલ્લેખ કરતા, એનસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ મેચ મૂળ રીતે ઋષભ પંતની શારીરિક ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે હતી. તે છેલ્લા કેટલાક સમયથી નેટ સેશનમાં બેટિંગ કરી રહ્યો છે અને પ્રેક્ટિસ મેચમાં રમવું એ આગળના પગલા જેવું છે.
મહિનાના શરૂઆતમાં, દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે પંતને આઈપીએલની આગામી સિઝનમાં વાપસી કરવાનો વિશ્વાસ છે. જો પંત વિકેટ પાછળ તેની ભૂમિકા નિભાવવામાં સક્ષમ ન હોય તો તે બેટ્સમેન તરીકે રમી શકે છે અથવા આગામી આઈપીએલમાં તેનો ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે ઉપયોગ થઈ શકે છે.