- ઋષભ પંત દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બન્યા
- ઋષભ પંતએ શ્રેયસ અય્યરની લીધી જગ્યા
- પંત આઈપીએલમાં પાંચમા સૌથી યુવા કેપ્ટન
દિલ્હી કેપિટલ્સએ ઋષભ પંતને આઈપીએલ 2021 માટે તેનો કેપ્ટન બનાવ્યો છે. 23 વર્ષીય પંત આઈપીએલમાં પાંચમા સૌથી યુવા કેપ્ટન છે. તેનાથી નાની ઉંમરમાં શ્રેયસ અય્યર,વિરાટ કોહલી અને સુરેશ રૈના જ કેપ્ટન બન્યા છે. પંતએ શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે.
અય્યર આઇપીએલ 2021ની આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. તેને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ખભાના ભાગે ઇજા પહોંચી હતી. આ કારણે તેમનું ઓપરેશન કરવામાં આવશે. ઋષભ પંત પ્રથમ વખત આઈપીએલમાં કેપ્ટન બન્યા છે. આ સાથે તે આઈપીએલ 2021 માં કેપ્ટન બનનારો ચોથો વિકેટકીપર બેટ્સમેન છે. તેમના સિવાય સંજુ સેમસન,મહેન્દ્રસિંહ ધોની અને કેએલ રાહુલ પણ કેપ્ટન છે.
ઋષભ પંત લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે રમી રહ્યા છે.કેપ્ટન બન્યા બાદ ઋષભ પંતે કહ્યું કે,દિલ્હી તે જગ્યા છે જ્યાં હું મોટો થયો છું અને જ્યાંથી છ વર્ષ પહેલા મારી આઇપીએલની સફર શરૂ થઇ હતી. મેં હંમેશાં આ ટીમની કપ્તાનનું સપનું જોયું હતું. અને આજે તે સ્વપ્ન સાકાર થયું છે,હું ખૂબ આભારી છું.
ઋષભ પંતે વર્ષ 2016 થી આઈપીએલમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી આઈપીએલ 2018 માં તેણે બેટિંગથી જલવા બતાવ્યા. ત્યારબાદ તેણે 684 રન બનાવ્યા હતા. આ પછી તે આઈપીએલ 2020 માં ટીમનો ઉપ-કેપ્ટન બન્યો હતો.
-દેવાંશી