દિલ્હી:બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનો સમાવેશ ‘બ્રિટનમાં એશિયન રિચ લિસ્ટ’ માં કરવામાં આવ્યો છે.એશિયન અમીરોની આ લીસ્ટમાં હિન્દુજા પરિવાર ટોચ પર છે.790 મિલિયન પાઉન્ડ (રૂ. 69,336,397,400)ની અંદાજિત સંપત્તિ સાથે પીએમ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને આ લીસ્ટમાં 17મા નંબરે સ્થાન મળ્યું છે.
અક્ષતા મૂર્તિના પિતા એનઆર નારાયણ મૂર્તિ છે, જે ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસના કો-ફાઉન્ડર છે.આ વર્ષની લીસ્ટમાં સામેલ એશિયન ધનિકોની કુલ સંપત્તિ 113.2 બિલિયન પાઉન્ડ છે.આ સંપતિ પાછલા વર્ષની તુલનામાં 13.5 બિલિયન પાઉન્ડ વધુ છે.
હિંદુજા પરિવાર 30.5 બિલિયન પાઉન્ડની અંદાજિત નેટવર્થ સાથે સતત આઠમી વખત ‘બ્રિટનમાં એશિયન ધનિકોની યાદી’માં ટોચ પર છે.ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હિન્દુજા પરિવારની સંપત્તિમાં 3 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે.
લંડનના મેયર સાદિક ખાને બુધવારે રાત્રે વેસ્ટમિન્સ્ટર પાર્ક પ્લાઝા હોટેલ ખાતે 24મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં હિન્દુજા ગ્રુપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને ‘એશિયન રિચ લીસ્ટ 2022’ની નકલ અર્પણ કરી હતી.હિન્દુજા ગ્રુપ એ ભારતીય આંતરરાષ્ટ્રીય સમૂહ છે. તે કુલ 11 સેક્ટરમાં બિઝનેસ કરે છે. અહેવાલો અનુસાર, સુનક અને અક્ષતા મૂર્તિની પાસે 15 મિલિયન પાઉન્ડની રિયલ એસ્ટેટ છે. સુનક અને મૂર્તિના ચાર ઘર છે. લંડનમાં બે, યોર્કશાયરમાં એક અને લોસ એન્જલસમાં એક છે.એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,આ દંપતીની યુકે અને કેલિફોર્નિયામાં ચાર પ્રોપર્ટી છે.