અમદાવાદમાં મેલેરિયા અને ડેન્ગ્યુના વધતા જતા કેસ, આરોગ્ય તંત્ર બન્યું સતર્ક
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયુ વાતાવરણને લીધે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 35 દિવસમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ અને ચિકનગુનિયા જેવા રોગોના સરકારી, ખાનગી હોસ્પિટલ- દવાખાનામાં ઓપીડી કેસો વધ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઊલટી, કમળા, ટાઇફોઇડ અને ચિકનગુનિયા સહિતના રોગોના 1814 કેસ નોંધાયા હતા, જ્યારે 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધીમાં 216 જેટલા કેસો નોંધાયા છે. માત્ર મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં રોજની 2 હજાર કેસો OPDમાં નોંધાય છે. શહેરમાં જે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ છે, તે વિસ્તારોમાં મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ 2020 અને 2021માં 4 સપ્ટેમ્બર સુધીમાં જેટલા કેસો ડેન્ગ્યુના નોંધાયા છે એના કરતાં વધુ કેસો માત્ર 2021ના ઓગસ્ટ મહિનામાં જ વધ્યા છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 494 કેસો નોંધાયા હતા. જો કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ આંકડો સત્તાવાર રીતે ઓછો બતાવવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય કેસોમાં ઝાડા-ઊલટીના કેસો વધુ પ્રમાણમાં આવ્યા છે. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલજી, વીએસ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કેટલા કેસો ક્યાં ક્યાં આવ્યા છે એની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી, જેથી સાચા આંકડા સામે આવતા નથી. બીજી તરફ અધિકારીઓ પોતાની ચેમ્બરમાંથી ફિલ્ડ વર્કમાં જતા નથી. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા-ઊલટીના 41, કમળાના 40, કોલેરાના 0 અને ટાઈફોઈડના 70 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મલેરિયા 27 કેસો, ઝેરી મલેરિયાના 2, ડેન્ગ્યુના 18 અને ચિકનગુનિયાના 20 કેસો નોંધાયા છે.
અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોને કારણે લોકોનાં મોત પણ થયાં છે, પરંતુ હંમેશાંની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ, શહેરમાં આવા રોગને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે, એના સાચા આંકડા અને માહિતી જાહેર કરતા નથી. રોગચાળા પર અંકુશ માટે મ્યુનિ.ના સાતેય ઝોનમાં એક-એક ડેપ્યુટી હેલ્થ ઓફિસરની નિમણૂક કરાઈ છે. છ ઝોનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની લાંબા સમયથી બદલી થઈ નથી.