ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ ખાનગી ટ્રાવેલ્સની બસના ભાડાંમાં પણ વધારો કરી દેવાયો છે, પણ ગુજરાત એસટીના ભાડામાં હજુ વધારો કરાયો નથી. કચ્છ જિલ્લા અને જિલ્લા બહાર દોડતી ખાનગી બસના સંચાલકોએ ભાડાં વધારતાં પ્રવાસીઓ એસ.ટી. તરફ વળી રહ્યા છે. ડીઝલના ભાવો વધતાં ખાનગી બસ સંચાલકોએ 30થી 150 ટકા જેટલું ભાડું વધારી દીધુ છે, જ્યારે એસ.ટી. નિગમે ભાડાંમાં કોઇ બદલાવ કર્યો નથી. જેના કારણે લાંબા રૂટની સ્લીપર, વોલ્વો, સીટિંગ બસોમાં પ્રવાસીનો વધારો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુજબ એસ.ટી. નિગમની દોડતી વોલ્વો સીટિંગ બસમાં રૂા. 690 અને સ્લીપરમાં 745, એક્સપ્રેસમાં અંદાજે રૂા. 200 અને ગુર્જર નગરમાં રૂા. 210 ભાડું ભુજથી અમદાવાદનું વસૂલાય છે, જ્યારે ખાનગી વોલ્વોમાં અંદાજે રૂા. 900 જેટલું, જ્યારે સીટિંગમાં 600 જેટલું એટલે કે ડબલ કરતાંયે વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેના કારણે એસ.ટી.માં મુસાફરો વધતાં નિગમને ફાયદો થઇ રહ્યો છે.
એસ.ટી. નિગમના સૂત્રોના કહેવા મુજબ હાલ ડીઝલના ભાવ રૂા. 100ની આસપાસ થઇ ગયા છે. એટલે કે વર્ષ 2014થી બમણા, તેમ છતાં એસ ટી નિગમ દ્વારા પાંચેક વર્ષથી કોઇ જ ભાડાં વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે મુસાફરો ધીમે ધીમે એસ.ટી. બસ તરફ આકર્ષાવા લાગ્યા છે. આગામી દિવાળી તહેવારોને અનુલક્ષીને 30મી ઓક્ટોબરથી અલગ અલગ ડેપોમાંથી 7 રૂટ પર અંદાજે 50 એસ.ટી. બસ દોડાવાશે તેમજ પ્રવાસીઓની સંખ્યા મળ્યેથી વધુ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. આ બસોનું ઓનલાઇન બુકિંગ કરી શકાશે.તહેવારો દરમિયાન પાલનપુર, મોડાસા, વડનગર, છોટા ઉદેપુર, સંજેલી, મહેસાણા, બોડેલી રૂટ પર વધારાની બસો દોડાવાશે, જેમાં વળતાં ખાલી ગાડી આવતી હોવાના કારણે નિયમ મુજબ 25 ટકા વધુ ભાડું લેવામાં આવશે.કચ્છ ડિવિઝન હેઠળ સંચાલિત થતી ગુર્જરનગરી, લોકલ, એક્સપ્રેસ અને સ્લીપર (વોલ્વો સહિત) દરરોજ ત્રણેક સોની આસપાસ શિડયુલ ગોઠવાયેલા છે. આ તમામ શિડયુલ પર અંદાજે દરરોજ સવા લાખ કિલોમીટર બસો દોડાવાય છે.