અમદાવાદઃ પટ્રોલ, ડિઝલના ભાવ વધારા બાદ અન્ય સેવા-ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હવે ટુર એન્ડ ટ્રાવેલર્સના પેકેજમાં પણ 20 ટકા સુધીનો વધારો થયો છે. ખાસ કરીને લોકો વિકએન્ડમાં ફેમિલી સાથે 2-4 દિવસના પ્રવાસનું આયોજન કરતાં હોય છે. ત્યારે હોટલોના ચાર્જમાં પણ વધારો થયો હોવાથી ટુર ઓપરેટરો દ્વારા પેકેજમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એક દિવસની ટુરમાં ખાસ કરીને સાપુતારા, ઈગતપુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસો એકદમ ફૂલ થઈ રહ્યા છે. જ્યારે ગોવા, મનાલી, ઉત્તરાખંડના ટુરો પણ મધ્યમ જઈ રહ્યા છે.
ટુર-ટ્રાવેલર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે, હવે લોકો ધીમે ધીમે બહાર ફરવા માટે નિકળી રહ્યા છે. હાલ ગુજરાતમાં જ વધારે ફરી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને કારણે પેકેજના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. મોટા ભાગે લોકો શુક્ર, શનિ અને રવિવારે ફરવા જતા હોય છે. એટલે હોટલો પણ આ જ વારે રૂમના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે એટલે શુક્ર, શનિ અને રવિવારના પેકેજ મોંઘા થયા છે. પરંતુ સોમથી ગુરુના પેકેજ ખાસ વધ્યા નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા હવે જુના ભાવ પરવડી શકે તેમ નથી. એટલે નાછૂટકે ટુરના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. હાલ તો તહેવારોનીં મોસમ હોવાથી થોડીઘણા પ્રવાસીઓની વરધી મળી રહી છે. પણ ત્યારબાદ ગરાકી કેવી રહે છે તે જોવુ રહ્યુ. મોંઘવારી વધી હોવાથી ટુર-ટ્રાવેલ્સના ધંધામાં કમાણી રહી નથી.
(PHOTO-FILE)