રાજકોટઃ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ છે. અને તેના લીધે લાઈન લોસ વધતો જાય છે. આથી પીજીવીસીએલ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. વીજચોરી અંકુશમાં લેવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા આઠ મહિના દરમિયાન 131 કરોડની પાવર ચોરી પકડાઈ છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 27 કરોડની વીજચોરી ઝડપાઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ હતી. દરમિયાન પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ આગામી દિવસોમાં વીજચોરી અટકાવવા માટે મોટાપાયે ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. શિયાળાની ઋતુ દરમિયાન કારખાનાઓ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક વિસ્તારોમાં પાવરચોરીનું દૂષણ વધતું હોવાથી આ વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવશે. આગામી સપ્તાહથી ફરી સૌરાષ્ટ્રમાં વીજચોરી ઝડપી લેવા સ્ક્વોડ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક વીજ ચોરી થતી હોય છે. થાંભલા પર ઝૂલતા વીજ વાયરોમાં વાંસ દ્વારા આંકડી ભરાવીને વીજ ચોરી કરવામાં આવતી હોય છે. ગાંમડામાં સમૃદ્ધિ વધતા હવે લોકો એસી, ઈલેક્ટ્રિક સગડી, હીટર સહિતના ઉપકરણો વાપરવા લાગ્યા છે. છતાં વીજ બીલ સામાન્ય આવતા હોય છે. ગામડાંના લાઈનમેનોને ખબર જ હોય છે કે, ક્યા ઘરમાં વીજચોરી થઈ રહી છે. પરંતુ સંબંધો સાચવવા માટે લાઈનમેનો ફરિયાદ કરતા નથી.