Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા AMTS-BRTSમાં 30 ટકા મુસાફરો વધ્યાં

Social Share

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે જીવન જરૂપિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની છે. હવે લોકોને પોતાનું ટુ-વ્હીલર્સ ચલાવવુ પણ પરવડતું નથી. ત્યારે હવે લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવ વધારાથી કંટાળીને અમદાવાદીઓએ સિટી બસમાં મુસાફરી કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર અસર પડી છે અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન એએમટીએસ-બીઆરટીએસની બસમાં રોજના સરેરાશ 30 હજાર પેસેન્જર વધ્યા છે. બીજી તરફ અમદાવાદમાં માત્ર 6 કિ.મીના અંતરમાં ફરતી મેટ્રો રેલમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6.11 લાખ લોકોએ મુસાફરી કરી છે અને મેટ્રો રેલને 58.21 લાખ રૂપિયાની આવક થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં BRTS બસમાં માર્ચમાં રોજ સરેરાશ 1.50 લાખ પેસેન્જરો મુસાફરી કરતા હતા. પરંતુ એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 1.80 લાખે પહોંચી ગઈ હતી. એ જ રીતે AMTSમાં મુસાફરોની દૈનિક સંખ્યામાં 1.10 લાખનો વધારો થયો છે. AMTSના રોજના સરેરાશ 3.25 લાખ લોકો મુસાફરી કરતા હતા. જે વધીને દૈનિક સરેરાશ 4.35 લાખે પહોંચી ગઈ છે. બંને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મળીને પેસેન્જરની સંખ્યામાં સરેરાશ 30 ટકાનો વધારો થયો છે. સામાન્ય માણસ નોકરી તેમજ અન્ય કામ અર્થે BRTS કે AMTSમાં મુસાફરી કરે તો રૂ.25થી 30માં ચાલી જતું હોય છે. જેથી હવે પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સાડા છ કિ.મી.લાંબા મેટ્રો ટ્રેનના કાર્યરત રૂટમાં ત્રણ વર્ષમાં 6 લાખ 11 હજાર 980 મુસાફરોએ મેટ્રો ટ્રેનની મુસાફરી માણી હતી. કોરોનાકાળ, ટૂંકો રૂટ સહિતના પરિબળો છતાંય શહેરીજનોએ મેટ્રો ટ્રેનની સવારી ચાલુ રાખતા મેટ્રો ટ્રેનને 58.21 લાખ રૂપિયાની આવક મુસાફરી ભાડા પેટે થવા પામી હતી. આગામી ઓગષ્ટ માસમાં સમગ્ર શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ પૂર્ણ કરીને મેટ્રો ટ્રેન તેના 40 કિ.મી.ના રૂટ પર દોડતી કરવાનું આયોજન છે. ત્યારે શહેરની આખી પરિવહન વ્યવસ્થા બદલાઇ જશે અને લાખોની સંખ્યામાં મુસાફરો મેટ્રો ટ્રેનનો લાભ લેશે તેવું મેટ્રો ટ્રેનના અધિકારીઓ જણાવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે પેટ્રોલ-ડીઝલ સાથે  CNGના ભાવમાં વારંવાર વધારો ઝીંકાયો છે. એવામાં રિક્ષા અને ટેક્સી ચાલકો માટે જૂના ભાડા પર મુસાફરી મુશ્કેલ થઈ રહી છે. અમદાવાદમાં પણ રિક્ષા ચાલકો મિનિમમ ભાડુ વધારવાની માંગ કરી રહ્યાં છે. CNGના ભાવમાં તોતિંગ વધારો થતાં રિક્ષાચાલકોની સમસ્યા વધી છે અને હવે તેઓ CNGના ભાવ ઘટાડવાની માગ કરી રહ્યા છે. CNGના ભાવમાં સતત વધારો ચાલુ જ રહેવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.