અમદાવાદઃ ગુજરાત સરકાર કૂપોષણને નાથવા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં અન્ય રાજ્યોની સરખાણીએ ગુજરાતમાં કૂપોષણનું પ્રમાણ સૌથી વધુ છે. ગુજરાતમાં કુપોષણ સામેની લડાઈમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઉજવાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ કુપોષણની સમસ્યા આજે ય ઠેરની ઠેર રહી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જ 6846 કુપોષિત બાળકોએ જન્મ લીધો છે. ખાસ કરીને સરહદી અને વનવાસી વિસ્તારોમાં કુપોષણનુ દૂષણ હજુય વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અત્યારે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જૂન મહિનામાં આપેલી માહિતી પ્રમાણે દેશમાં છ મહિનાથી છ વર્ષ સુધીના 9.27 લાખ બાળકો કુપોષણથી પીડાતા હતાં. જેમાં ઉત્તર પ્રદેશમાં 3,98,359, બિહારમાં 2,79,427 અને મહારાષ્ટ્રમાં 70,665 બાળકો હતાં. જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 45,749 હતી. તે ઉપરાંત રાજસ્થાનમાં પણ 5,732 બાળકો કુપોષિત હોવાનું નોંધાયું હતું.
આજે આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીમાં ઓછું વજન, લોહતત્વની ઉણપ ધરાવતા બાળકોને કુપોષણની અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી સમગ્ર દેશમાં પોષણ માસની ઉજવણીથી સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં શૂન્યથી 6 વર્ષ સુધીના 2.42 લાખથી વધુ બાળકો કુપોષિત હોવાનું અગાઉ સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું. હવે કોરોનાકાળમાં આ સંખ્યામાં વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નવજાત બાળકોમાં વજન અને લોહતત્વની ઉણપ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ઘરમાં જ પ્રસુતિ, જન્મ બાદ આરોગ્ય તપાસ ના થઈ હોય તેવા બાળકોની સંખ્યા અનેકગણી હોઈ શકે છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકોનો જન્મ થયો છે. છેલ્લા 6 માસમાં રાજ્યમાં લોહીની ઉણપ ધરાવતાં 802 બાળકોનો જન્મ થયો છે જેમાં સૌથી વધુ 411 બાળકો બનાસકાંઠામાં જન્મ્યા છે. આ ઉપરાંત જામનગર, નવસારી અને તાપીમાં લોહીની ઉણપ ધરાવતાં બાળકોની સંખ્યા સૌથી ઓછી છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ, દાંતા સહિતના વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. કુપોષણ દૂર કરવા રાજ્ય આરોગ્ય વિભાગની અનેક યોજનાઓમાં દર વર્ષે બજેટમાં કુપોષણ દૂર કરવા કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે.આમ છતાંય કુપોષણની સમસ્યા હજુ ઠેરની ઠેર રહી છે. કચ્છમાં 51, ખેડામાં 45, રાજકોટમાં 43, આણંદમાં 38, મહિસાગરમાં 39, પંચમહાલમાં 24, અમદાવાદમાં 24, સાબરકાંઠામાં 21, અમરેલીમાં 21, દાહોદમાં 19, અરવલ્લીમાં 19 બાળકો લોહીની ઉણપ સાથે જન્મ્યાં છે. ( ફાઈલ ફોટો)