સુરેન્દ્રનગરઃ ખેડુતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ ખેડુતોની હાલત ઠેરની ઠેર જ રહેતી હોય છે. આ વખતે મેઘરાજા રિંસાતા ખેડુતો ચિંચિત બન્યા છે, તા બીજીબાજુ ખરીફ પાકમાં રોગટાળાનો ભય પણ ઝળુંબી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાક બાદ ચોમાસુ પાક સફળ જશેની આશાએ વાવેતર કર્યુ હતું. જેમાં જિલ્લામાં 50668 હેક્ટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ હતુ.
જિલ્લામાં આ વર્ષ ચોમાસુ નબળુ જતા પાક ઓછો ઉતરવાનો ભય છે. ત્યાં ખેડૂતોના પાક માથે લીલી ઇયળોની નવી આફત માથે આવી બેસી છે.ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આગમચેતીના ભાગરૂપે જરૂરી સુચનો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ મોટા ભાગના લોકોનો આવકનો શ્રોત ખેતી અને પશુપાલન છે.
કોરોના કાળ, વાવાઝોડા સહિતનો માર ઝીરવી માંડ ઉભા થયેલા ખેડૂતોએ ચોમાસુ પાક સફળ જશેની આશાએ ખરીફ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં ખરીફ સીઝનમાં ઝાલાવાડમાં 5,38,898 હેક્ટરમાં કપાસ, મગફળી, તલ, કઠોડ, ઘાસચારો, જુવાર, મકાઇ, દિવેલા, સોયાબીન સહિતના ખરીફ પાકોનું વાવેતર કરાયુ છે.જિલ્લામાં મુખ્યત્વે પાક કપાસ બાદ બીજા નંબરે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે.
રોકડીયા પાક ગણાતા મગફળીનું જિલ્લામાં 50,668 હેકટરમાં મગફળીનું વાવેતર થયુ છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા છેલ્લા 67 દિવસોથી છુટાછવાયા વરસાદ સીવાયર સારોએવો વરસાદ થયો ન હોવાથી ખેડૂતોના આગોતરા વાવેતર પર અસર થઇ છે. થોડોક વાવણીલાયક વરસાદ થતા મુરઝાતી મોલાતોને જીવતદાન તો મળ્યુ હતુ. પરંતુ સતત વાદળછાયા વાતાવરણને લીધે ખાસ કરીને રોકડીયા પાક ગણાતા એવા મગફળીના પાક પર લીલીઇયળના ઉપદ્રવનો ભય મંડરાઇ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર કેનાલો વાટે આવતા મુખ્યત્વે કપાસનું જ વાવેતર કરાય છે. તેમ છતાં સાયલા, થાન, ચોટીલા, મૂળી, પંથકમાં મગફળીનું સારૂ એવુ વાવેતર છે. જિલ્લામાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં 14,250 હેક્ટર થવા સાથે જિલ્લાભરમાં ચાલુ વર્ષે જિલ્લાની 50,668 હેકટર જમીન પર ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે.
(Photo-File)