દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બ્રિટન ઉપરાંત દુનિયાના અન્ય દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હતી. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રિમત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 38 દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત દ્વારા બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. તેમજ બ્રિટનથી આવેલા મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. સ્વાસ્થ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરાયા હતા. દેશમાં આ નવા સ્ટ્રેનથી સંક્રમિત કેસની કુલ સંખ્યા વધીને હવે 38 થઇ ચૂકી છે. દેશના ઘણા રાજ્યોમાં બ્રિટનથી આવેલા લોકોમાં નવા સ્ટ્રેનનું સંક્રમણ જોવા મળ્યું હતું. રાજધાની દિલ્હી પણ આનાથી બચી શકી નથી. બ્રિટનથી આવેલા લોકોની તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
દરમિયાન બ્રિટન સરકારનું કહેવું છે કે, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનું સંક્રમણ બ્રિટન કરતા વધારે ખતરનાક અને સંક્રમિત છે. બ્રિટને હાલમાં દક્ષિણ આફ્રિકાથી આવતી તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.