ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે બોલીંગથી પણ હરિફ ટીમો ડરે છેઃ મોહમ્મદ શમી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમની બેટીંગની સાથે હવે બોલીંગ સાઈટ પણ મજબુત છે. જેના કારણે હરિફ ટીમોને ભારતની મજબુત બોલીંગ લાઈનઅપનો સામનો કરવો પડે છે. જેથી હરિફ ટીમ કન્ફ્યુઝ થઈ જાય છે કે, હવે ભારતીય ટીમનો સામનો કેવી રીતે કરવો, તેમ ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના બોલર શમીએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, વિરોધી ટીમ કન્ફ્યુઝ થઈ જાય છે કે, કેવા પ્રકારની પીચ તૈયાર કરવી. પહેલા અન્ય ટીમો ભારતીય બેટીંગથી ડરતી હતી. ભારતીય ટીમમાં લાંબી બેટીંગ લાઈનઅપ છે. પરંતુ હવે અમારી બોલીંગથી પણ ડરે છે. ભારતીય ટીમ સ્પિન માટે જાણીતી છે. પરંતુ હવે ફાસ્ટ બોલર પણ હરીફ ટીમને હંફાવી રહ્યાં છે. ભારતીય ટીમમાં સ્પિનરની સાથે સારા ફાસ્ટ બોલર છે. જેના કારણે કોઈ પણ પીચ મળે કોઈ ફેર પડતો નથી. હરીફ ટીમો હવે ભારતીય બેટીંગની સાથે બોલીંગથી પરેશાન થઈ રહી છે. તેમને ખ્યાલ નથી આવતો કે ભારતીય બોલરોનો સામનો કેવી રીતે કરવો. વિદેશમાં હરિફ ટીમો મુઝવણમાં મુકાઈ છે કે, હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે સ્પીન ટ્રેક તૈયાર કરવો કે પછી સીમિંગ ટ્રેક તૈયાર કરવો. આપણી પાસે 3-4 જેટલા સારા સ્પિનર અને 3-4 જેટલા ફાસ્ટ બોલર છે. જેથી ભારતને કોઈ પણ વિકેટ મળે કોઈ ફેર પડતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે તાજેતરમાં આઈપીએલને મુલત્વી રાખવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા અને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે.