Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી વધતા લોકો માટે રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો

Social Share

અમદાવાદ:  સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પુરની સ્થિતિ ઊભી થઈ છે. તેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદી કાંઠે આવેલા ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધિશોએ રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બુધવારે રાતના 8 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે. બીજી સુચના ન અપાય ત્યાં સુધી રિવરફન્ટ અને વોકવે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને  AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 8 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. જોકે ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે. ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ સંત સરોવર ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ગુરૂવારે વહેલી સવારે સાબરમતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળશે. જ્યાં સુધી પાણી નહીં વહી જાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. વોક-વે પર સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર બંધ કરી દેવામાં આવશે. સાબરમતી નદીમાં પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.