Site icon Revoi.in

રાજકોટમાં 70 શાળાઓ સહિત 150 એકમોને સીલ ખોલવા માટે RMCએ આપી મંજુરી

Social Share

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ઝોન ગેમ અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવી મિલ્કતોને સીલ કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં ઘણીબધી શાળાઓ સહિત એકમોને પણ સીલ મારી દેવાયા હતા. જોકે મિલકત ધારકોએ એફિટેવિટ સાથે બાંયેધરી આપતા સિલ કરેલા એકમોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 70 શાળાઓ સહિત 150 એકમોના સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં અગ્નિકાંડ બાદ 250 જેટલી મિલ્કતો સીલ કરવામાં આવી હતી. જેમાં 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ હતી.  સરકાર દ્વારા ફાયર એનઓસી વિનાની મિલકતોને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી આ પ્રકારની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જોકે સંચાલકો તેમાં ફાયર સેફ્ટીના સાધનો વિકસાવે અને ફાયર એનઓસી માટે કાર્યવાહી કરે તો આ મિલકતોના સીલ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં મિલકતોના સીલ ખોલવા માટેની 150 જેટલી અરજીઓ આવી છે. જેમાં મોટાભાગની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તે મુજબ ગેરકાયદેસર બાંધકામો કે ડોમ હોય તો તે દૂર કરવાના હોય છે. શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ બિલ્ડીંગ અને બેંકોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાના હોય છે અને ફાયર એનઓસી લેવાની હોય છે. આગ બુઝાવવા માટેનાં સાધનો ઇન્સ્ટોલ કરવા માટે જ સીલ મિલકતો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા માટે આરએમસી દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

આ મામલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળા સંચાલક મંડળ હસ્તકની 500 જેટલી શાળાઓમાંથી 60 જેટલી શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમાં 10 જેટલી શાળાઓમા ડોમ છે. જોકે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા તેમજ ડોમ હટાવવા માટે સીલ ખોલવા માટેની અરજી કરવામાં આવી હતી. ખાનગી શાળા સંચાલક મંડળે પણ એક કમિટી બનાવી છે. જે મ્યુનિ. કોર્પોરેશન સાથે સંકલનમાં રહી અને ફાયર સેફ્ટીના સાધનોની પૂર્તતા કરી રહી છે.