Site icon Revoi.in

પીપાવાવ- ઘોઘા- મુંબઈ વચ્ચે રો-પેક્સ ફેરી સેવા શરૂ કરાશે, માત્ર 7 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે

Social Share

ભાવનગરઃ ઘોઘા-હજીરા વચ્ચે જળમાર્ગે રો-રો ફેરી સેવા ચાલી રહી છે. અને ઘોઘાથી સુરત ગણતરીના કલાકમાં પહોંચાતુ હોવાથી આ સેવાને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે પીપાવાવ-ઘોઘા-મુંબઈ વચ્ચે રો-પેક્સ ફેરી સેવા શરૂ કરાશે. આ સેવા શરૂ થતાં જ પીપાવાવથી મુંબઈ માત્ર સાત કલાકમાં પહોંચી શકાશે. પીપાવાવ આસપાસ મોટા ઉદ્યોગો આવેલા છે. માલવાહક વાહનોને મુંબઈ પહોંચતાં 14 કલાકથી વધુ  સમય લાગતો હોય છે. આવા માલવાહક વાહનોને ફેરી સેવા દ્વારા મુંબઈ પહોંચવું સરળ પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સડક, રેલ અને હવાઇ માર્ગ પરિવહનનું ભારણ ઘટાડવા 7500 કિ.મી. લાંબા દરિયાકાંઠાનો જળ પરિવહનમાં ઉપયોગ કરવા માટે વ્યાપક સર્વે ચાલી રહ્યા છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હાલ ભારતનો સૌથી મોટો જળ પરિવહન પ્રોજેક્ટ છે, અને તેની સફળતાથી પ્રેરાઇને તેમજ સૌરાષ્ટ્રના જળમાર્ગે વધુ વિકાસ કરવા માટે તંત્ર દ્વારા પીપાવાવ-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા અને મુંબઇ ખાતે ટર્મિનલ સહિતની સગવડતા ઉપલબ્ધ છે, તેથી ઘોઘા-પીપાવાવ- મુંબઇ રૂટ પણ ચર્ચામાં છે. ગત વર્ષે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ તળે દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે 45 ફેરી સર્વિસ શરૂ કરવાની દિશામાં પ્રથમ તબક્કાની સર્વેની કામગીરી શરૂ થઇ હતી. તે પૈકી ગુજરાતમાં પીપાવાવ અને મુળનદ્વારકાથી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો શું ફાયદો પરિવહનને થઇ શકે તેના અંગે અભ્યાસ કરવામા આવી રહ્યા છે. મુંબઇ અને ઘોઘા ખાતે રો-પેક્સ ફેરી સેવાને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર મોજુદ છે. પીપાવાવ ખાતે પણ સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવવામાં આવે તો નજીકના ભવિષ્યમાં ઘોઘા-પીપાવાવા-મુંબઇને સાંકળતી રો-પેક્સ ફેરી સેવા શરૂ થઇ શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લાના ઘોઘાથી સુરતના હજીરા સુધીની રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાયા બાદ રોજ બે શિપ આવે છે, અને પરિવહન માટે અનુકુળ સાબિત થઇ છે. પાયલોટ પ્રોજેક્ટમાં ઘોઘા-હજીરાને મળેલી સફળતા બાદ પીપાવાવ-મુંબઇ અંગે ચસાકણી શરૂ થઇ ગઇ છે. સડક માર્ગનું અંતર ખાસ્સુ લાંબુ છે, અને જળ માર્ગે પીપાવાવથી મુંબઇ આસાનીથી પહોંચી શકાય તેમ છે. પિપાવાવ પોર્ટ નજીક રો-પેક્સ ફેરી સેવા માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો હતો. મુંબઇ અને ઘોઘા ખાતે સવલતો છે. પીપાવાવ-મુંબઇ વચ્ચેનું સડક માર્ગનું અંતર 537 કિ.મી. છે, અને આ અંતર કાપતા 14 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે પીપાવાવ-મુંબઇ વચ્ચે જળમાર્ગનું અંતર 152 દરિયાઇ નોટિકલ માઇલ છે, જેને ફેરી શિપ દ્વારા આ અંતર કાપતા 7 કલાકનો સમય લાગી શકે છે. આમ અડધો અડધ સમય અને ઇંધણની બચત જળ પરિવહનના માર્ગે થઇ શકે તેમ છે.