Site icon Revoi.in

અંબાજીમાં વરસાદ પડતા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયાં, વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

Social Share

અંબાજીઃ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતો જાય છે. યાત્રાધામ અંબાજીમાં ફરી વરસાદની વાજતે-ગાજતે પઘરામણી થઈ હતી. સતત બીજા દિવસે અંબાજીમાં ધૂઆંધાર વરસાદની શરૂઆત થઈ છે. બુધવારે દિવસભર ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે. અનરાધાર વરસાદના કારણે અંબાજી પોલીસ સ્ટેશનના આગળનો માર્ગ બેટમાં ફેરવાયો હતો. અને હાઇવે માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક  દુકાનોમાં ગોઠણસમા પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા.

યાત્રાધામ અંબાજીમાં બુધવારે બપોરના સમયે આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ જે વાસણ હાથ લાગ્યું તે લઈ પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. પોલીસ સ્ટેશનની આગળનો હાઇવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો. તો ઘણી દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો પણ હાલાકીમાં મુકાયા હતા અને માલસામાનને નુકસાન થયું હતું

અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત અંબાજીના હાઇવે પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દાંતા પંથકમાં બે દિવસમાં વાવણી લાયક સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.

બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને લીધે પાલનપુર મલાણા પાટિયા નજીક રોડ પર 4 ફૂટ પાણી ભરાયાં હતાં. પહેલાં વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી.  5 થી વધુ ગામોમાં જવાનો રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.