Site icon Revoi.in

બુલેટ ટ્રેનની કામગીરીને લીધે વડોદરામાં ST ડેપોથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો આજથી બે દિવસ બંધ

Social Share

વડોદરાઃ  અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વડોદરામાં નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતાં પીલર નં-401,402 ઉપર ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે. શહેરના એસ.ટી. ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફનો રસ્તો 27 અને 28 જાન્યુઆરી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે, જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામુ બહાર પાડ્યું છે અને વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-6 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેને લઇને નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ જતાં પીલર નં-401,402 ઉપર ગડર નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી કરતી વખતે નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નટરાજ સર્કલથી પંડયા બ્રિજ જતાં તમામ પ્રકારના વાહનો માટે એક માર્ગ ઉપર અવર જવર કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી તા. 27/01/2014થી તા.28/01/2024 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પોલીસના જાહેરનામાં મુજબ આજે તા.27થી બે દિવસ સુધી  એસ.ટી ડેપોથી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ વાહનો માટે બંધ રહેશે. એસ.ટી.ડેપોથી નટરાજ સર્કલથી રોંગ સાઇડથી પંડ્યા બ્રિજ તરફ જઇ શકાશે તેમજ પંડયા બ્રિજથી એસ.ટી.ડેપો જતાં વાહનો રાબેતા મુજબ એસ.ટી.ડેપો તરફ જઇ શકાશે.