અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે મોટાભાગના શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે રોડ-રસ્તાઓના મરામતના કામ પણ અટકી ગયા છે. અમદાવાદ શહેરમાં તો નવરાત્રી સુધીમાં શહેરમાં પડેલા તમામ ખાડાઓ પૂરી દેવામાં આવશે અને રોડ મોટરેબલ કરી દેવાની મ્યુનિ. સત્તાધીશોએ બાંયધરી આપી હતી. પરંતુ શહેરમાં રોડ પરના ખાડાં પુવાના કામ પુરા થયા નથી. હવે વતનમાંથી શ્રમિકો દિવાળી બાદ પરત ફરે ત્યારબાદ રોડ પરના મરામતના કામો શરૂ કરી શકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 1.79 લાખ ટન માલનો ઉપયોગ કરી ખાડા પૂરવામાં આવ્યા છે. હજુ પણ શહેરના અનેક વિસ્તારમાં રોડ પર ખાડા યથાવત્ છે. દિવાળીને લીધે મજૂરો પણ પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. ત્યારે દિવાળીમાં પણ શહેરીજનોને યોગ્ય રોડ મળે તેવી શક્યતા જણાતી નથી. રસ્તે રખડતાં ઢોર પકડવાના મામલે એક ઇન્સ્પેક્ટરની ધરપકડ બાદ મ્યુનિ. પદાધિકારીઓ દ્વારા મ્યુનિ.નો સ્ટાફ બદલવા માટે સૂચન કરાયું હતું પણ હજુ કોઈની બદલી કરવામાં આવી નથી.
અમદાવાદ જ નહીં રાજ્યમાં રોડ-રસ્તાની હાલત સુધરી નથી. ચોમાસા દરમિયાન ઘણાબધા રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા.કેટલાક રોડ પર ઊંડા ખાડા પડી ગયા છે. પણ કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિને કારણે હજુપણ મરામતના કામ પૂર્ણ કરાયા નથી. ગોધરાથી ફાગવેલ સુધીનાં ટોલરોડ પર ખાડા પડેલ હોઇ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. રોડનો ટોલટેક્ષ ભરવા છતાં સુવિધાનાં નામે વાહન ચાલકોને કંઇજ મળતું નથી. ગોધરાથી ફાગવેલ સુધીનાં રોડ ઉપર આંતરે આંતરે અનેક ખાડા પડેલા છે જેનાથી વાહન ચાલકોને ખુબ હેરાનગતિ પડી રહી છે. રોડનો ટોલટેક્ષ ભરવા છતાં સુવિધાના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે. આ બાબતે અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જૈસે થેની છે. ખાસ કરીને બાલાસિનોરથી વાવડી ટોલ સુધીના માર્ગમાં ખુબ ઊંડા ખાડા પડ્યા છે જે ફોર વ્હીલ કાર વાહન માટે ખુબ જોખમ કારક છે. અચાનક ખાડામાં ટાયર પડવાથી કારની એલાઈમેંટ ખોરવાઇ જાય છે. તેમજ બીજા અનેક નુકશાન થાય તેવું છે. ટોલટેક્ષ ચૂકવવા છતાં રોડની સારી સુવિધા મળતી નથી. (file photo)