Site icon Revoi.in

રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનએ આપેલા કોન્સેપ્ટ 4E નું અનુપાલન ખૂબ જરૂરી: ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીએ સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. સિગ્નલ સિસ્ટમ કે ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિમાં પણ સ્વૈચ્છિક નિયમ પાલન કરી માર્ગ પરિવહનને સુરક્ષિત બનાવવું જોઈએ. રોડ એકસીડન્ટની ઘટનામાં પ્રથમ એક કલાક – ગોલ્ડન અવર ખૂબ અગત્યનો છે, લોકોએ ગુડ સમરિટન બની ઇજાગ્રસ્ત, ઘાયલ લોકોની જિંદગી બચાવવા આગળ આવવું જોઈએ. આપણી સંસ્કૃતિ જીવપ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવે છે. મહામૂલી માનવ જિંદગીના બચાવ માટે આગળ આવવાની ફરજ સૌ કોઈની છે.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડશો તો તેમની ઉપર કોઈ કેસ કે કાર્યવાહી થશે. લોકોની આ માનસિકતાને દૂર કરવામાં માટે જ ગુડ સમરિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ગુડ સમરિટન યોજના એ માત્ર એક યોજના નહિ પરંતુ એક ઝુંબેશ અને આપણા સૌની જવાબદારી છે. શહેરથી લઈને ગામડાઓ સુધીનો દરેક વ્યક્તિ જો આ યોજના અંગે માહિતગાર થશે તો રાજ્યમાં અનેક લોકોના જીવ બચી શકશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ સેફટી અંગે સરકારે ચલાવેલી વિવિધ ઝુંબેશોના પરિણામે ગત કેટલાક વર્ષોમાં આપણા રાજ્યમાં રોડ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સાથે જ અકસ્માતના સમયે લોકોના જીવ બચાવવાનું પણ સરાહનીય કામ થયું છે. આવનાર સમયમાં લોકોના જીવ બચાવવાના આ નેક કામને એક ડગલું આગળ વધારવામાં ગુડ સમરિટન એવૉર્ડ એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટરોને અનુરોધ કરતા કહ્યું કે, માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડતા હીરોનું રાજ્ય સરકાર તો સન્માન કરશે જ, પરંતુ જિલ્લા સ્તરે પણ આવા હીરોનું જાહેરસ્થળો પર સન્માન કરવામાં આવે તો તે સમાજ માટે પ્રેરણા બનશે. આ સાથે જ લોકોમાં રહેલી ગેરસમજણ દૂર થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ગુડ સમરિટન યોજના પણ સાર્થક બનશે.