અમદાવાદઃ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્યમાં માર્ગ સલામતી ક્ષેત્રે કાર્ય કરતા સ્વૈચ્છિક વ્યક્તિઓ, સંસ્થાઓ (સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક)ને પ્રોત્સાહિત કરવા માટે તેમજ સરકાર દ્વારા રચાયેલી સીટી તથા ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટીની કામગીરીનો લાભ વધુને વધુ જાહેર જનતાને મળી રહે તથા આ ક્ષેત્રે કાર્ય કરવા પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ – 2022માં સીટી/ ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટી – દેવભૂમિ દ્વારકાની પસંદગી થતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રોડ સેફટી કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર વતી સભ્યસચીવ એઆરટીઓએ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અધ્યક્ષ તેમજ વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સ્વીકાર્યો હતો.